કાર્યવાહી:વીજ કંપનીનો કર્મચારી બનીને ઘરમાં ઘૂસી લૂંટ કરવાના કિસ્સામાં સ્ત્રી મિત્રની પણ સંડોવણી ખુલી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બાજુમાં રહેતા વૃદ્ધા પાસે બેસવા જતી અને તેને વાતચીતમાં ભોળવીને બધી વિગતો બહાર કઢાવી લેતી

જામનગરમાં એસટી ડેપો સામે હેમાલી એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા વિદ્યાલક્ષ્મીબેન જનાર્દન ક્રિષ્ના પીલ્લે નામના 75 વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ બપોરે સવા બે વાગ્યાના અરસામાં પોતાના ઘેર એકલા હતાં. કાળા કલરના રેઇનકોટ તેમજ મોઢે માસ્ક પહેરેલો એક શખ્સ કે જે ડોરબેલ વગાડીને ઘરમાં આવ્યો હતો, અને પોતે જીઇબીનો કર્મચારી છે અને તમારા ઘરનું મીટર ચેક કરવાનું છે.

તેમ કહી ફ્લેટની અંદર પ્રવેશ્યો હતો. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દઈ વૃદ્ધ મહિલા વિદ્યાલક્ષ્મીબેનને છરી બતાવી ધમકી આપી હતી, અને તેમણે પહેરેલી સોનાની 6 બંગડી, સોનાનો ચેન કે જે ઉતારાવી લીધા હતા અને 8 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી મહિલાને બેડરૂમમાં પૂરી દરવાજો બહારથી બંધ કરી ભાગી છૂટ્યો હતો.

આ પ્રકરણમાં એલસીબીએ મુખ્ય આરોપી મયુર નરભેરામ નામના શખસને પકડી પાડી ગુનો ઉકેલી નાખ્યો હતો. દરમિયાન સિટી-એ પોલીસે વધુ તપાસમાં બહાર આવ્યું કે, મયુરની સાથે તેની સ્ત્રી મિત્ર પણ લૂંટની આ ઘટનામાં સંડોવાયેલી છે જેથી તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાઇ છે. આ લુંટની ઘટનાને લઈને સીટી એ. ડિવિઝનનો સ્ટાફ, એલસીબીનો સ્ટાફ વગેરે દોડતો થયો હતો.

જે બાદ એલસીબીના દોલતસિંહ જાડેજા, દિલીપભાઇ તાલેવડીયાને મળેલી ખાનગી બાતમીના આધારે મૂળ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના વતની અને હાલ ફરિયાદી મહિલા જે એપાર્ટમેન્ટમાં રહે છે, તે જ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા મયુર નરભેનાથ કંથરાઈ નામના શખ્સને પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા બે લાખ 90 હજારની કિંમતની સોનાની 6 નંગ બંગડી અને 85 હજારની કિંમતનો સોનાનો પેન્ડલવાળો ચેઇન સહિત કુલ રૂપિયા પોણા ચાર લાખની કિંમતના સોનાના દાગીના કબજે કરી લીધા હતા.

અને આરોપીને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો. સિટી-એ પોલીસના પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા બહાર આવ્યું હતું કે, મયુરની સાથે રહેતી તેની સ્ત્રી મિત્ર રક્ષાબેન નામની મહિલા વૃદ્ધા પાસે જઈને બેસતી અને વાતો વાતમાં તેની પાસેથી દાગીના તેમજ રોકડની વિગતો જાણી લેતી અને તે મયુરને કહેતી હતી. મીટર બાબતની વૃદ્ધાએ રજૂઆત કરી છે તે પણ રક્ષાએ જ મયુરને વાત કરી હતી. આ બધા પરથી તેની સંડોવણી પુરવાર થતા સિટી-એ પોલીસે રક્ષાબેનની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી છે.

અન્ય સમાચારો પણ છે...