જામનગર ચેમ્બર દ્વારા અનેક વર્ષોથી જામનગરને બ્રાસ કલ્સ્ટર મળે તે માટે રજુઆત કરવામાં આવતી હતી. જામનગર ચેમ્બરે આ રજુઆત ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ઉદ્યોગ વિભાગ અને કેન્દ્ર સરકારના એમએસએમઈ વિભાગને અલગ અલગ પત્રોથી અલગ અલગ સમયે કરવામાં આવેલ હતી. અંતે આ માંગણી સ્વીકારાઈ છે અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્ટેટ લેવલ બેન્કીંગ કમિટીને જામનગર ક્ષેત્રમાં લીડ બેંકના માધ્યમથી બ્રાસ ઉદ્યોગ માટે ખાસ નિયમો અને રાહતો જાહેર કરેલ છે.
જામનગરમાં વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત બ્રાસ ઉદ્યોગની યુનાઈટેડ નેશનલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા નોંધ લેવાયા પછી બ્રાસ કલ્સ્ટર તરીકે વિકાસ થવાની સંભાવના વધી ગયેલી હતી અને પછી ભારત સરકારના માઈક્રો-સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ દ્વારા તે યાદી પર મહોર મરાઈ છે.
રીઝર્વ બેંકની સૂચનાથી હવે જામનગરમાં બ્રાસના ઉદ્યોગકારોને ફંડ લીકવીડીટી, સ્કીલ લેબર જેવા પ્રશ્નોના નિકાલ ટૂંક સમયમાં થશે અને આમ ભારતભરમાંથી બ્રાસના ઉદ્યોગકારો જામનગર આકર્ષાસે તથા જામનગરના સ્થાનિક ઉદ્યોગકારોને નવું જોમ આવશે.
આ જાહેરાત પછી તેનો જલદીથી અમલ થાય તે માટે ચેમ્બર હજુ વધારે જાગૃતતા દર્શાવશે. જામનગરનું રાજ્ય-કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરતી નેતાગીરીનો તથા દરેક અધિકારીઓ પ્રત્યે ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ આભારની લાગણી વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.