શ્રમિક ઈજાગ્રસ્ત:જામનગર નજીક આવેલી વિજરખી ફાયરીંગ રેન્જમાં ફાયરીંગ પ્રેકટિસ સમયે ગોળી વાગતા ખેતમજૂર ઈજાગ્રસ્ત થયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજરખી ગ્રામજનોએ ફાયરિંગ અન્ય જગ્યાએ કરવા બાબતે રજૂઆત કરી

જામનગર નજીકના વિજરખી ફાયરિંગ રેન્જ પાસે ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરને ખેતી કામ કરતી વખતે ગોળી લાગી હોવાથી 108 મારફતે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા.

જામનગર તાલુકાના વિજરખી ગામમાં આજે સવારે એસઆરપીના જવાનો દ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન એક ખેત મજૂરને પગમાં ગોળી વાગી જતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.આ બનાવની વિગત એવી છેકે જામનગર નજીક વિજરખી રેન્જ એરિયામાં લશ્કરી દળ, પોલીસ અને એસઆરપી ગ્રૂપ વગેરે દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવેછે, અને સમયાંતરે આ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન લોકોએ -અવરજવર નહીં કરવા માટેવહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેછે. દરમિયાન આજેસવારે ગોંડલ એસઆરપી કેમ્પના જવાનો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન વિજરખી ગામમાં રહેતા ખેડૂત વિક્રમભાઈ શિયાળની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની એવા દરિયાભાઈ સુરતાભાઈ માવી નામના 35 વર્ષના પરપ્રાંતિય શ્રમિકને પગમાં ગોળી વાગી જતાં ભારે દેકારો બોલી ગયો હતો. આ બનાવ અંગે 108 ને જાણ કરવામાં આવતાં તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઇ યુવાનને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તબીબોએ તેમની તાત્કાલીક સારવાર આંરભી હતી અને પગમાં ઘુસી ગયેલ ગોળીને કાઢી લેવાતા હાશકારો થયો હતો.

ખેત મજૂરી કરતા ખેતમજૂર મૂળ એમપી ના રહેવાસી અને હાલ વિજરખી ખાતે વારી વિસ્તારમાં પરપ્રાંતીય યુવકને ખેત મજૂરી કરતી વેળાએ પગમાં ગોળી લાગી હતી જ્યારે ગોળી લાગતા નાસ ભાગ મચી હતી. તેમજ યુવકના પરિવારજનો તથા વાડી માલિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 દ્વારા જામનગરની જીજી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ ત્યારબાદ ફાયરિંગ પ્રેક્ટિસ બંધ કરવા અને અન્ય જગ્યાએ ખસેડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી તેમ જ હાલ ખેત મજૂરોમાં પણ ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...