જામનગર નજીક મોટી ખાવડીની મેઇન બજારમાં પશ્ચિમ બંગાળનો એક શખ્સ દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે એવી બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડીને ડીગ્રી વગરના ડોકટરને દવાઓ તથા મેડીકલના સાધનો સાથે પકડી લીધો હતો. બંગાળનો શખ્સ કોમર્સનો અભ્યાસ કરેલો હોય અને મેડીકલની ગેરકાયદે દુકાન ખોલીને બેઠો હતો.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલની સુચના તથા એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જ્યદિપસિંહ.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન એસઓજીના સ્ટાફને બાતમી મળેલ કે, મોટી ખાવડી, ગામ લાલપુર જી. જામનગર દિપક શાહ નામનો ઇસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. આ પ્રકારની હકિકત આધારે રેઇડ કરી ઇસમના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનુ મશીન, ઇન્જેકશન તથા અલગ-અલગ કંપનીઓની દવા મળી કુલ કિ. 1662ના મુદામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી, ઇસમે બીકોમ સુધીનો અભ્યાસ કરેલ છે. મુળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના ક્રિષ્નનગરના વતની અને હાલ જામનગરના પ્રગતિ સોસાયટીમાં રહેતો દિપકકુમાર દુલાલચંદ્ર શાહ (ઉ.વ.53) નામનો શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.