• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Daughter Living In A Development House In Jamnagar Was Found Fleeing From Dwarka, Khambhaliya Abhayam Team Explained And Sent Back To The Institute

સરાહનીય કામગીરી:જામનગરના વિકાસગૃહમાં રહેતી એક દીકરી ભાગી જતા દ્વારકાથી મળી આવી, ખંભાળીયા અભયમ ટીમે સમજાવી ફરી સંસ્થામાં મોકલી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના ત્રાસના કારણે ભાગી ગયેલી દીકરીને વિકાસગૃહમાં મોકલવામા આવી હતી
  • વિકાસગૃહમાંથી ભાગી ગયા બાદ દીકરી દ્વારકાથી મળી આવી

આપણા સમાજમાં જે અબળાનું કોઇ નથી તેની વહારે 181 અભયમ્ ટીમ હરહંમેશ હોય છે, જે રાજ્યના કોઇ પણ ખૂણે રહેલી મહિલા માટે અભયકવચની ગરજ સારે છે. 181 અભયમ્ ટીમની કામગીરીનો વધુ એક પરિચય તાજેતરમાં જ જોવા મળ્યો, જેમાં સગાઓના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ભાગેલી એક પરપ્રાંતીય દીકરીની સમજાવટ કરીને અભયમ ટીમે તેને જામનગર વિકાસગૃહના સલામત હાથોમાં સોંપી છે. દ્વારકા રેલ્વે પોલીસ આરપીએફ માંથી 181માં એક કોલ આવ્યો હતો, જેમાં એક દીકરી મળી આવી હોવાની જાણકારી અપાઈ હતી અને 181 અભયમ્ ટીમની મદદ માગવામાં આવી હતી. માહિતીના પગલે ખંભાળિયાની અભયમ ટીમ દ્વારકા ખાતે પહોંચી ગઈ હતી.

પરિવારના ત્રાસથી ભાગી ગયેલી દીકરીને વિકાસગૃહમાં રાખવામા આવી હતી181 અભયમ્ ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તે દીકરી મૂળ કર્ણાટકની છે. તેના માતા-પિતાની હયાતી રહી નથી. આ દીકરી તેના કાકા-કાકી સાથે કર્ણાટક રહેતી હતી. આ દીકરીની ફઇ અને ફુવા ખંભાળિયા ખાતે રહે છે. એક મહિના અગાઉ ફઇ-ફુવા આ દીકરીને સારી રીતે રાખીશું એમ કહી પોતાની જોડે ખંભાળિયા લઈ આવ્યા હતાં. પણ અહીં આ દીકરી પર જાણે દુઃખોની વર્ષા થવા લાગી હતી. ફઈ-ફુવા દીકરીને તેમના ઘરે બહુ જ ઘરકામ કરાવતા હતાં, જુદી જુદી હેરાનગતિ પણ કરતા. એક વખત જ્યારે તેઓ ફોન પર દીકરીને વેચી નાખવાની વાત કરી રહ્યા હતાં ત્યારે આ દીકરી એ વાત સાંભળી ગઇ હતી અને ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે આ દીકરી પોલીસને મળી આવતા બાદમાં તેને પોલીસની મદદથી અને CWCના આદેશથી વિકાસ ગૃહ જામનગર ખાતે રાખવામાં આવી હતી. જામનગર વિકાસગૃહમાં માંડ થોડાક દિવસ રહ્યા બાદ આ દીકરી એક સવારે જામનગર વિકાસગૃહ ખાતેથી ભાગી ગઇ અને રેલવે સ્ટેશન પહોંચી, જ્યાંથી તે જયપુર દ્વારકા ટ્રેનમાં બેસી ગઈ, જેના પગલે તે દ્વારકા ખાતે પહોંચી ગઈ. અહીં આ દીકરી રેલવે પોલીસને મળી આવી, જ્યાં તેઓને રેલવે પોલીસ મદદે આવી. રેલવે પોલીસે 181 અભયમમાં કોલ કરી આ દીકરી માટે મદદ માગી.

181 અભયમની ટીમે દ્વારકા ખાતે પહોંચીને દીકરીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને વિશ્વાસમાં લઇ પૂછતાં જાણવા મળ્યું કે તે જામનગરના વિકાસગૃહમાંથી ભાગી છે. 181 અભયમની ટીમે તેને સમજાવી અને જામનગર વિકાસગૃહ નો સંપર્ક સાધ્યો અને વિકાસ ગૃહની ટીમના સલામત હાથોમાં આ દીકરી સોંપી. મદદે આવેલી 181 અભયમની ટીમનો દીકરીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો અને હવે પોતે નહીં ભાગે તેની ખાતરી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...