લેન્ડ ગ્રેબીંગ:લાલપુરના નાંદુરી ગામમાં બે બંધુઓ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાલપુર તાલુકાના નાંદુરી ગામના બે બંધુઓએ જેપી દેવરિયા ગામના વૃદ્ધની જમીન પચાવી પાડ્યાની લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે. એક દાયકાથી બન્ને શખ્સોએ કબ્જો જમાવી વૃધ્ધ અને તેના પુત્રને ધમકીઓ આપી વાવેતર કરવા ન દેતા હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર રીતે જમીન હડપી લેનારા બન્નેની પોલીસ દ્વારા ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.

ખંભાળિયા તાલુકાના જેપી દેવળિયા ગામે રહેતાં કેશુરભાઇ કરશનભાઇ ગોજિયાની જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામે આવેલ સર્વે નંબર 332 પૈકીની ખેતીની જમીન નાંદુરી ગામના પ્રકાશ કાનાભાઇ કરંગિયા અને તેના ભાઇ પરિક્ષીત કાનાભાઇ કરંગિયાએ દબાવી લીધી હતી. વર્ષ 2011 થી આ બન્ને શખસોએ કબ્જો જમાવ્યો છે. બન્ને આરોપીઓએ કેશુરભાઇ અને તેના પુત્રને દર વર્ષે જમીન ખેડવા નહીં દઇ જમીનમાં પગ મુક્યો તો જીવતા નહીં રહો એવી ધમકીઓ અવારનવાર આપી હતી. બન્ને શખસો જમીન ખાલી કરતા ન હોવાથી ગત્ જુલાઇ મહિનામાં કેશુરભાઇ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેને લઇને કલેક્ટરની કમિટી દ્વારા ફરિયાદની ભલામણ કરવામાં આવતા લાલપુર પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ (ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ) મુજબ ફરિયાદ નોંધી હતી. જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...