જામનગરના સંધાડીયા બજાર વિસ્તારમાં એક દુકાનને નિશાન બનાવીને અંદરથી એક લાખથી વધુની રોકડ રકમ ચોરી થયાના બનાવનો સીટી એ પોલીસે ભેદ ઉકેલી નાખતા ચોરાઉ રોકડ સાથે એક શખસને દબોચી લીઘો હતો.પોલીસે પકડાયેલા શખસની સધન પુછતાછ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના ગીચ વિસ્તાર એવા સંધાડીયા બજારમાં આવેલી સુપર ટ્રેડર્સ નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કર અંદરથી રૂ.1,00,500ની રોકડ રકમ ચોરી કરી લઇ ગયાનો બનાવ સામે આવ્યો હતો. ચોરીની આ બનાવની પોલીસે વેપારી હસનભાઇ અબ્દુલકાદરભાઇ મેમણની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
સીટી એના પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી જે વેળાએ પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા સહિતની ટીમને પેટ્રોલિંગ વેળાએ ઉકત ચોરીમાં સંડોવાયેલો એક શખ્સ હવાઇ ચોક પાસે આંટા ફેરા કરી રહયો હોવાની અને છુટથી પૈસા વાપરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા હસન મહમદહુશેન કાદરી(રે.ધરારનગર-2) ને સકંજામાં લીઘો હતો. પોલીસે તેના કબજામાંથી એક લાખની રોકડ રકમ કબજે કરી હતી. જે રકમ મામલે પોલીસે પુછપરછ હાથ ધરતા તેણે ચોરીની કબુલાત આપી હતી.આથી સીટી એ પોલીસે તેની અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.