સરાહનીય કામગીરી:અંધ અને અશક્ત વૃદ્ધા અને તેમના માનસિક બીમાર પુત્રને જામનગર સખી વન સ્ટોપની ટીમે આશ્રય અપાવ્યો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સખી વન સ્ટોપની ટીમે પરિવારની ભૂમિકા અદા કરી

જામનગર શહેરના જાગૃત નાગરિક નીશાંતભાઈ પારેખ દ્વારા તા.29-8-2022ના રોજ જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પર જાણ કરવામાં આવી કે શહેરનાં ઇન્દિરા નગર વિસ્તારમાં અંદાજે 75 વર્ષની ઉંમરનાં વૃદ્ધ મહિલા રહે છે. જે આંખે જોઈ શકતા નથી તેમજ તેમનો એક દીકરો છે જે માનસિક બીમારીથી પીડિત છે. જે વિગત ધ્યાને લઇ આ વૃદ્ધ મહિલાનો સંપર્ક કરી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા જામનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા વૃદ્ધ મહિલાનું પરિવારિક કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલું કે વૃદ્ધ મહિલા છેલ્લા 25 વર્ષથી તેમના પતિથી અલગ રહે છે. તેમજ તેઓને બંને આંખે અંધાપો આવી ગયેલો છે અને તેઓને ચાર સંતાનો છે જેમાંના એક દીકરાનું અવસાન થતા હાલ ત્રણ સંતાનો હયાત છે. જેમાંથી એક દીકરો માનસિક બીમારીથી પીડિત છે તેમજ એક દીકરી કે જે સાસરે છે. વૃદ્ધાના જણાવ્યા મુજબ પોતાની દીકરીએ લલચાવી-ફોસલાવી વૃદ્ધાનો આર્થિક રીતે ગેરલાભ લીધેલ જેના લીધે તેમનો દીકરો માનસિક બીમારીનો ભોગ બનેલો છે. ત્યારબાદ સેન્ટરની ટીમ દ્વારા વૃદ્ધ મહિલાના મનોરોગી દિકરાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

વૃદ્ધ મહિલા પોતાનું ઘરનું મકાન ધરવાતા હતા
વધુ વાત કરતા જાણવા મળ્યું કે, વૃદ્ધ મહિલા પોતાનું ઘરનું મકાન ધરાવે છે જેના દસ્તાવેજો તેમના પતિ પાસે હોવાથી તે દસ્તાવેજો પોતે પરત મેળવવા માંગે છે. માટે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલા પોલીસ-સ્ટેશનની મદદથી દસ્તાવેજો પતિ પાસેથી પરત અપાવેલ. હાલ બંને માતા અને પુત્રની સાર-સંભાળ લેવાવાળું કોઈ પણ ન હોઇ અને તેઓને આશ્રયની જરૂરિયાત હોવાથી તેમને તથા તેમના પુત્રને આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરેલ તથા તેમનો પુત્ર જે માનસિક બીમારીથી પીડાય છે તેને પણ યોગ્ય માનસિક સારવાર મળી રહે તે પણ જણાવેલ. ત્યારબાદ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા સમગ્ર હકીકત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભીને જણાવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ વૃદ્ધ અને અશક્ત તેમજ માનસિક બીમાર લોકોને આશ્રય આપતી વિવિધ સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો.

સમગ્ર ટીમનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
મોરબી જિલ્લાની યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટ દ્વારા વૃધ્ધ મહિલાને અને પુત્રને પ્રવેશ આપવા તૈયારી દર્શાવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃદ્ધ મહિલા અને તેમના પુત્રની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અને કેસ વર્કર વિશ્રાંતિબેન પુનાણી દ્વારા વૃદ્ધ મહિલા અને તેના પુત્રને મોરબી જિલ્લાના યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટમાં સારવાર અને આશ્રય મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપવામાં આવેલ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા બદલ આ તકે બંને માતા-પુત્રએ સખીવન સ્ટોપ સેન્ટરની સમગ્ર ટીમનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...