જામનગરમાં ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકાની 4 હજાર ફૂટ જેટલી જગ્યામાં 32 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરાયું હતું, જ્યાં ગુરૂવારે ભારે પોલીસ બંદોબસ્તની સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, અને નવા રોડ બનાવવા માટે થઈને અંદાજે 4 હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
જામનગરના ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યા આવેલી છે, જેમાં ઘણા સમયથી કેટલાક શખ્સો દ્વારા દબાણ કરી દેવાયું હતું. ઉપરોક્ત જગ્યામાં 9 મીટર તેમજ 22 મીટરના અલગ અલગ 2 નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. જે રસ્તા પરની જગ્યામાં જ જુદા જુદા 32 જેટલા આસામીઓ એ દબાણ કરીને કાચા-પાકા મકાનો, ઓરડી, ગાર્ડન વગેરે બનાવી લીધા હતા.
જે તમામને જગ્યા ખુલ્લી કરવા માટેની નોટિસ પાઠવાઇ હતી, તેમ છતાં પણ જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી. દરમિયાન આજે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી તથા યુવરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ 12થી વધુ દબાણ હટાવ શાખાના કર્મચારીઓની ટુકડી એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સાથે સિન્ડિકેટ સોસાયટીમાં પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. એક પીએસઆઇ, બે પોલીસે કોન્સ્ટેબલ, તથા મહિલા પોલીસ કર્મચારી સહિતના પોલીસ બંદોબસ્તને ગોઠવવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાની અંદાજે 4 હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દબાણકારોએ આખેઆખો રસ્તો જ દબાવી દીધો’તો
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં જે જગ્યા પર દબાણ થયું હતું તેના નીચે પાણીની લાઈન નાખવામાં આવશે. તેમજ 30 ફૂટનો રોડ પણ બનાવવામાં આવશે. જે માટે દબાણ હટાવવું જરૂરી બન્યું હતું. દબાણ હટાવતા સમયે લોકોએ ભારે માથાકૂટ કરી હતી. દબાણવાળી જગ્યા પર મકાનો, વંડાઓ, સંડાસ વગેરે બની ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.