સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર દ્વારા કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સ્કૂલ દ્વારા ધો. 11ના 96 કેડેટ્સ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પુણે, કૉલેજ ઑફ મિલિટરી એન્જિનિયરિંગ, યુદ્ધ સ્મારક અને આઈ.એન.એસ શિવાજી, લોનાવાલામાં 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે કેડેટ્સે કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ, પુણેની મુલાકાત લીધી હતી. જેમાં કેડેટ્સે કોમ્બેટ એન્જિનિયરિંગ અને સીબીઆરએન સંરક્ષણના મહત્વના ક્ષેત્રોમાં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના કર્મચારીઓની તાલીમ કેવી રીતે અપાઇ છે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
બીજા દિવસે સાઉથેન કમાન્ડના મુખ્ય મથકના યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી જ્યાં મેજર જનરલ શ્રેય મહેતા, એમજીઓએલ, મુખ્ય મથક, સધર્ન કમાન્ડે કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ બોમ્બે સેપર્સમાં કેડેટ્સને યુપીએસસી એનડીએ અને એસએસબીની તૈયારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પ્રવાસના છેલ્લા દિવસે, કેડેટ્સે કમાન્ડન્ટની સમીક્ષા પરેડ નિહાળી અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા, પુણેમાં વિવિધ તાલીમ માળખાની મુલાકાત લીધી. કેડેટ્સ માટે આ એક ખાસ પ્રેરક ક્ષણ હતી કારણ કે તેઓએ તે ભૂતપૂર્વ બાલાચડિયનો સાથે પણ વાતચીત કરી હતી કે જે એનડીએમાં ઓફિસર્સની તાલીમ લઈ રહ્યા છે.
તે પછી આઈએનએસ શિવાજી, લોનાવાલાની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં કેડેટ્સને ભારતીય નૌકાદળમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તેનો પરિચય આપવામાં આવ્યો હતો. સાથે-સાથે કેડેટ્સને ફાયર ફેસિલિટી વિંગ અને મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.