તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમ ભંગ:સરકારની મનાઈ હોવા છતાં જિલ્લા પંચાયતમાં 9 લાખનો ધૂમાડો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફર્નિચર કે રીનાેવેશન પર સ્પષ્ટ પ્રતિબંધ લગાવાયો હોવા છતાં જામનગરમાં ડીડીઓ, કાર્યપાલક ઈજનેર, બાંધકામ સહિતની કચેરીઓ રિનોવેટ કરાઈ

કોરોનાના કપરાકાળમાં જ્યારે લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે ત્યારે સરકારે પણ અમૂક નિર્ણયો લીધા છે જેમાં લોકડાઉન અને કોરોના દરમિયાન કોઈપણ સરકારી કચેરીમાં નવા ફર્નિચર કે રિનોવેશન કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ જાણે જામનગર જિલ્લા પંચાયતને સરકારનો આ નિયમ લાગુ પડતો નથી તેમ તેણે છડેચોક તેનો ભંગ કરી 9 લાખના ખર્ચે ડીડીઓ, કાર્યપાલક ઈજનેર સહિતની કચેરીઓને રિનોવેટ કરાવીને ચકચકાટ બનાવી નાખી છે.

આ રિનોવેશન માટે ન કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કે ન ઉપરથી કોઈ મંજૂરી લેવામાં આવી છે.કોરોનાના કપરાકાળમાં જ્યારે તમામ ક્ષેત્રો આર્થિક બદહાલીથી ઝઝૂમી રહ્યા છે ત્યારે સરકારે પણ કોરોનાકાળમાં અમૂક નિર્ણયો લીધા છે જેમાં હાલ તુરંત તમામ સરકારી કચેરીઓમાં રિનોવેશન કે ફર્નિચરના કામ પર મનાઈ ફરમાવવામાં આવી છે.

પરંતુ જિલ્લા પંચાયત, જામનગરને જાણે આ નિયમ લાગુ ન પડતો હોય તેમ તેમણે ડીડીઓ કચેરી, કાર્યપાલક ઈજનેર (બાંધકામ), પીબી (બાંધકામ બ્રાંચ), નાયબ કાર્યપાલક ઇજનેર ચેમ્બરને રિનોવેશન કરીને તેની સકલ બદલી નાખી રૂા.9 લાખના ખર્ચે કરવામાં આવેલું રિનોવેશન વગર ટેન્ડરે કરવામાં આવ્યું છે જેની જવાબદારી હવે કોઈ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે જિલ્લા પંચાયતમાં કોરોનાકાળ દરમિયાન રિનોવેશન અને વગર ટેન્ડરે થયેલા આ કામની ચર્ચાએ ભારે ચકચાર મચાવી છે.

સરકારી પ્રતિબંધો જામનગરને લાગું પડતા જ નથી, કોરોનાકાળમાં પણ કચેરીઓ ઝગમગાવી દીધી
સરકારમાંથી કોઈ નવી સૂચના નથી: અધિક કલેક્ટર
રિનોવેશન અને ફર્નિચર ન કરવું તે બાબતનો પરિપત્ર તા.31-3-2021 સુધીનો હતો તે પછી સરકારમાંથી કોઈ જાતની સૂચના આવી નથી.> રાજેન્દ્રસિંહ સરવૈયા, અધિક કલેક્ટર, જામનગર.

વહીવટી મંજૂરી મેળવી છે: કાર્યપાલક ઈજનેર
અમે લોકોએ ફર્નિચર બનાવ્યું નથી, ફક્ત જરૂરી કામ કરાવ્યું છે. ચેમ્બરો રિનોવેશન ન ગણી શકાય. અમે ડીડીઓની વહીવટી મંજૂરી મેળવી છે. જિલ્લા પંચાયતમાં રીનોવેશન કરાયેલી આ ચેમ્બરો કરવી અત્યંત જરૂરી હતી. કારણ કે, પાણી ભરાવાનો પ્રશ્ન થતો હતો. > આર.ડી. ડામોર, કાર્યપાલક ઈજનેર, બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત, જામનગર.

આ 3 ગંભીર મુદ્દા

  • જિ. પં.માં રિનોવેશનનું કામ સરકારની મનાઇ હતી ત્યારે તા.31 માર્ચ પહેલા ચાલુ કરાયું હતું
  • જિલ્લા પંચાયતમાં રિનાેવેશનના કામની કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી, કેમ ?
  • સરકાર ના પાડે તો ડીડીઓ કેવી રીતે રિનાવેશનની વહીવટી મંજૂરી આપી શકે
અન્ય સમાચારો પણ છે...