તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેશનને કોઇ ગાંઠતું નથી:3-3 નોટિસ પછી પણ 84 ઇમારતો પાસે ફાયર NOC નથી,ફાયર શાખાની પ્રથમ, રીમાઇન્ડ અને આખરી નોટિસનો ઉલાળિયો, નળજોડાણ કપાશે

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિભાજી હાઈસ્કૂલ, એમ.પી.શાહ કોમર્સ કોલેજ, આર્શીવાદ, મેન્ટલ, મેઘધારા સહિતનીઇમારતોનો સમાવેશ

જામનગર મનપાની ત્રણ-ત્રણ નોટીસ બાદ પણ 84 બહુમાળી ઇમારતો ફાયર એનઓસી લેવામાં ઉદાસીન રહેતા અનેક સવાલ ઉઠયા છે. ફાયર શાખા દ્વારા ફટકારવામાં આવેલી પ્રથમ, રીમાઇન્ડ અને આખરી નોટીસનો ઉલાળિયો કરાતા આ ઇમારતોના નળજોડાણ કાપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિભાજી હાઈસ્કૂલ, એમ.પી.શાહ કોમર્સ કોલેજ, આર્શીવાદ, મેન્ટલ, મેઘધારા, ન્યુ બેબી બોર્ન ચિલ્ડ્રન કેર હોસ્પિટલે પણ એનઓસી લીધું નથી.નેશનલ બિલ્ડીંગ કોડ વિભાગના નિયમ મુજબ શાળા, કોલેજ, હોટેલ, કોમ્પલેકસ, હોસ્પિટલ અને બહુમાળી ઇમારતોએ ફાયર સિસ્ટમ લગાડી ફાયર શાખામાંથી એનઓસી લેવું ફરજીયાત છે.

જામનગરમાં મનપાની ફાયર શાખા દ્વારા ફાયર એનઓસી ન લેનાર રહેણાંક ઇમારતો, શાળા, કોલેજ, કોર્મશીયલ કોમ્પલેકસ, હોસ્પિટલોને પ્રથમ, રિમાન્ડ અને આખરી નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાંથી હજુ પણ 26 રહેણાંક અને 58 કોર્મશીયલ કોમ્પલેકસે ફાયર એનઓસી લીધું નથી. આથી આ ઇમારતોના નળજોડાણ કાપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ફાયર સિસ્ટમ લગાડ્યા બાદ એનઓસી મળે છે : ડે. ચીફ ફાયર ઓફિસર
નિયમ મુજબ નવ મીટરથી ઓછી અને વધુ ઉંચાઇ ધરાવતી ઇમારતમાં ફાયર સિસ્ટમ લગાડવી ફરજીયાત છે. જો કે, નવ મીટરથી ઓછી ઉંચાઇવાળી ઇમારતમાં ફાયર સિસ્ટમ લગાડી આ ઇમારતની ઉંચાઇ નવ મીટરથી ઓછી છે તેવું સેલ્ફ ડીકલેરેશન આપવાનું રહે છે. જયારે નવ મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી ઇમારતોમાં હોર્સ બોકસ, પાઇપલાઇન, સ્મોક ડીટેકટર, એકસ્ટીગયુશનર લગાડવાના રહે છે. - સી.એસ. પાંડયન, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, જામ્યુકો.

ફેક્ટફાઇલ : કઇ કેટલી ઇમારતો બાકી

  • 128 રહેણાંક ઇમારતોમાંથી 102 એનઓસી મેળવ્યું, 26 બાકી
  • 99 શાળા-કોલેજમાંથી 97 એનઓસી મેળવ્યું, 2 બાકી
  • 110 હોસ્પિટલમાંથી 106 એનઓસી મેળવ્યું, 4 બાકી
  • 109 કોર્મશીયલ ઇમારતોમાંથી 57 એનઓસી મેળવ્યું, 58 બાકી
અન્ય સમાચારો પણ છે...