ધોરણ 12 સાયન્સનું પરિણામ:જામનગર જિલ્લાનું 83 ટકા પરિણામ, પાંચ વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે પાસ થયા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂરી કામ કરતા પરિવારની દીકરીએ 99.96 PR સાથે A-1 ગ્રેડ મેળવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2022 ની પરીક્ષામાં જામનગર જીલ્લાનું 83.45 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ એ 1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે 139 વિદ્યાર્થીઓ એ 2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જામનગર જિલ્લામાં કુલ 1550 વિદ્યાર્થીઓને નોંધાયા હતા જે પૈકી 1541 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને નવ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જે પરીક્ષાનું આજે પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.

જામનગર જિલ્લાના કુલ પાંચ વિદ્યાર્થીઓ A-1ગ્રેડ સાથે તેમજ 139 વિદ્યાર્થીઓ A-2ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા. જ્યારે B-1 ગ્રેડમાં 305 વિદ્યાર્થીઓ, B-2 ગ્રેડમાં 387 વિદ્યાર્થીઓ પાસ થયા છે.તેમજ C-1 ગ્રેડમાં 385 વિદ્યાર્થી તેમજ C-2માં 262 વિદ્યાર્થીઓ પાસ થયા છે.ડી ગ્રુપમાં 50 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 260 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને કુલ 86.45 ટકા પરિણામ જાહેર થયું છે.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.96 પીઆર સાથે એ-1 ગ્રેડ મેળવી સોનગ્રા શિતુ શૈલેષભાઇએ જામનગર તથા તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.મજૂરીકામ કરતાં શૈલેષભાઇની પુત્રી શિતુએ જણાવ્યું હતું કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે ફી ભરવી પણ મુશ્કેલ હતી. આમ છતાં તેમના પરિવારે તેને હિંમત આપી અને શાળાના વિશેષ સહકારથી તેણે આ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. શાળા ઉપરાંત ઘરે 3-4 કલાક મળી દરરોજ સરેરાશ 13 થી 14 કલાક વાંચન કરનાર શિતુએ એમબીબીએસમાં જવાની ઇચ્છા દર્શાવી હતી.

સામાન્ય પરિવારની પુત્રીએ જામનગરમાં પ્રથમ અને રાજ્યમાં ચોથો ક્રમ મેળવ્યો
જામનગરમાં તદન સામાન્ય પરિવારની પુત્રી સોનગ્ર શીતુએ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એ-1 ગ્રેડ મેળવી જામનગરમાં પ્રથમ અને રાજયમાં ચોથો ક્રમ મેળવ્યો છે. ગુજકેટમાં તેણીએ 120 માંથી 115 માર્કસ મેળવ્યા છે. તેણીના પિતા મજૂરી કામ કરે છે. આ સ્થિતિમાં પણ તેણીએ ટોપ રેન્ક મેળવી અન્ય વિધાર્થીઓને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂં પાડયું છે.

ગત વર્ષે જામનગર જિલ્લામાં 111 છાત્રએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો
કોરોનાના કારણે વર્ષ-2021 માં અન્ય ધોરણની સાથે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આથી જામનગર જિલ્લામાં 1736 માંથી 111 છાત્રએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. જયારે વર્ષ-2022માં 1541 માંથી ફકત 5 છાત્રએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. આજ રીતે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ગત વર્ષે 366 માંથી 1 તો વર્ષ-2022માં લેવાયેલી પરીક્ષામાં 335 માંથી એક પણ છાત્રને એ-1 ગ્રેડ મળ્યો નથી.

હાલારના ચારમાંથી ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 93.33 ટકા પરિણામ
ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 93.33 ટકા પરિણામ આવ્યું છે. જયારે જામનગર કેન્દ્રનું 79.92, મીઠાપુરનું 63.51 અને જામખંભાળિયા કેન્દ્રનું 77.78 ટકા પરિણામ આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ધ્રોલ કેન્દ્રનું પરિણામ છેલ્લાં ઘણાં વર્ષોથી ઉંચુ આવે છે.

અન્ય સમાચારો પણ છે...