ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગને ડામવા તાજેતરમાં જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં 35 પેઢીમાં સ્પોટ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં જામનગરની 1 સહિત સૌરાષ્ટ્રની 8 પેઢી બોગસ પેઢીએ રૂ.102.34 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.5.12 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનો ઘટસ્ફોટ થતાં ભારે ચકચાર જાગી છે.
ખોટી વેરાશાખ મેળવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગ અટકાવવા આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી કરચોરી ડામવા સ્પોટ ચેકીંગની નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમે તાજેતરમાં જુનાગઢ, પોરબંદર, વેરાવળ, જામનગર અને જામખંભાળિયામાં કુલ 35 વેપારીઓને ત્યાં સ્પોટ ચેકીંગ કરાયું હતું. ચેકીંગમાં જામનગર અને જુનાગઢમાંથી કુલ 8 બોગસ પેઢી મળી આવતા જીએસટી વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. આ પેઢીએ રૂ.102.34 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.5.12 કરોડની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
આથી આ તમામ વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત આ પેઢીઓ સાથે ધંધાકીય વ્યવહારો કરનાર અન્ય વેપારીઓ ઉપર રાજય વેરા ખાતા દ્વારા કાર્યવાહી કરી હજુ પણ મોટી સંખ્યામાં વેપારીઓને સ્પોટ ચેકીંગની કાર્યવાહીમાં આવરી લેવામાં આવશે.
5 જિલ્લામાં આ બોગસ પેઢી મળી આવી
-મે.ચામુંડા એન્ટરપ્રાઇઝ, જામનગર
-મે.ખોડલ કૃપા ટ્રેડીંગ કંપની, ભેંસાણ (જુનાગઢ)
-કુ.એ.કે.એન્ટરપ્રાઇઝ, ભેંસાણ(જુનાગઢ)
-ગોકુલ એન્ટરપ્રાઇઝ, ભેંસાણ(જુનાગઢ)
-ન્યારા એન્ટરપ્રાઇઝ, ભેંસાણ(જુનાગઢ)
-મે.ધનલક્ષ્મી ટ્રેડીંગ કંપની, જુનાગઢ
-કુ.ચિરાગ એન્ટરપ્રાઇઝ, જુનાગઢ
-પ્રમુખ ટ્રેડ, જુનાગઢ
શંકાસ્પદ 3 પેઢીએ 2.65 કરોડની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ લીધી
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જુનાગઢ, પોરબંદર, વેરાવળ, જામનગર અને જામખંભાળિયામાં કરેલા સ્પોટ ચેકીંગમાં શંકાસ્પદ ત્રણ પેઢીએ રૂ.2.65 કરોડની ખોટી ઇનપુટ ટેકસ ક્રેડીટ લીધી હોવાનું ખૂલતા વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બોગસ પેઢીની મદદથી છેતરપીંડી આચરી ખોટી વેરાશાખ મેળવનાર પાસેથી વેરાન વસૂલાત અને આ પ્રકારની પેઢી ઉભી કરતા શખસો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.