કાળઝાળ ગરમીમાં કાળા પાણીની સજા:આજે અડધા જામનગરમાં 7 કલાકનો વીજકાપ, શહેરના આ મુખ્ય વિસ્તારો આજે સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી પરસેવે નિતરશે

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાત રસ્તા, સનસાઇન, બેડી ગેઇટ, સત્યમ, ઇન્દીરા માર્ગ, પ્રદર્શન ગ્રાઉન્ડ, વાલકેશ્વરી, શરૂ સેકશન અને જનતા ફાટક ફીડર હેઠળના કુલ 90 વિસ્તાર
  • કારણ - પ્રિમોન્સુન અને મેઇન્ટેનન્સ કામગીરી હેઠળ વીજ પુરવઠો બંધ રહેશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શનિવારે અડધા જામનગરમાં 7 કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. પ્રિમોન્સુન અને મેઇનટેનન્સ કામગીરી હેઠળ વીજકંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા શહેરીજનોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. સાત-સાત કલાક વીજળી ગુલ રહેતા વૈકલ્પિક ઉપકરણો પણ જવાબ આપી દેતા મુશ્કેલી બેવડાઇ છે. સાત રસ્તા, સનસાઇન, બેડી ગેઇટ, સત્યમ, ઇન્દીરા માર્ગ, પ્રદર્શન ગ્રાઉન્ડ, વાલકેશ્વરી, શરૂ સેકશન, જનતા સહિતના ફીડરો હેઠળના વિસ્તારોમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજળી ગુલ રહેશે.જામનગરમાં વીજચોરીના દૂષણના કારણે ટી એન્ડ ડી લોસનું પ્રમાણ ખૂબજ વધારે છે.

વીજચોરીના દૂષણને તો પીજીવીસીએલ ડામી શકતું નથી. પરંતુ લાખોના ખર્ચે પ્રિમોન્સુન અને મેઇનટેનન્સની કામગીરી હેઠળ છાશવારે કલાકો સુધી વીજકાપના ડામ શહેરીજનોને આપી રહી છે. જેના કારણે લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. ઉનાળાએ અસલ મિજાજ બતાવતા તીવ્ર ગરમી પડી રહી છે. આ સ્થિતિમાં શનિવારે અડધા શહેરમાં પીજીવીસીએલ દ્વારા સવારે 7 થી બપોરે 2 એટલે કે 7 કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે પાણી ભરવા સહિતની સમસ્યાના કારણે લોકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. છાશવારે કલાકો સુધી વીજકાપ ઝીંકવામાં આવતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

જોઇ લો, તમારા વિસ્તારનું નામ છે ?
શહેરમાં શનિવારે લખપતી કોલોની, એસ્સાર હાઉસ, સદગુરૂ કોલોની, વાલકેશ્વરી નગરી, સનસાઇન સ્કૂલ રોડ, વિગ્સ ટાવરથી તુલશીશ્યામ એપાર્ટમેન્ટ આજુબાજુ વિસ્તાર, ટીવી રીલે કેન્દ્ર, ડીવાયએસપી બંગલો, આરટીઓ ઓફીસ, ટીંકુ નર્સરી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, પંચેશ્વર ટાવર, તીર્થ એપાર્ટમેન્ટ, ગોવાળ મસ્જીદ, સત્યનારાયણ મંદિર, પૂજા એપાર્ટમેન્ટ, હવાઇચોક, વૈજનાથ એપાર્ટમેન્ટ, જી.ડી.શાહ હાઇસ્કૂલ, નાગરચકલો, પરિવાર એપાર્ટમેન્ટ, સત્યમ શિવમ સુદરમ, ઓશવાળ તથા સત્યમ કોલોની, ગુરૂદ્રાર સેન્ટર પોઇન્ટ સહિતનો આજુબાજુનો વિસ્તાર, ગર્વમેન્ટ કોલોની, પંચાયત ભવન, કોર્ટ કમ્પાઉન્ડ, જજ કર્વાટર, આયુર્વેદ હોસ્ટેલ, મંગલબાગ, પોલીસ હેડકર્વાટર, શરૂ સેકશન રોડ, જનતા સોસાયટી, કૃષ્ણનગર, ખોડીયાર કોલોની, જય કો.ઓ.સોસાયટી, રાજનગર, આરામ કોલોની સહિતના 90 વિસ્તારોમાં શનિવારે સવારે 7 થી 2 કલાકનો વીજકાપ ઝીંકાયો છે.

આખું વર્ષ કામ ચાલતું હોય છે, નેટવર્ક જાળવવા એ જરૂરી !
પીજીવીસીએલનું વીજ સપ્લાયનું નેટવર્ક મોટું હોય તેનું મેઇનટેનન્સ કરવા માટે પાવર બંધ રાખી સમારકામની કામગીરી અનિવાર્ય છે. દરેક જિલ્લા અને તાલુકામાં આ કામગીરી થતી હોય છે. ફકત ઉનાળામાં નહીં વર્ષ દરમ્યાન પ્રિ-મોન્સુન અને મેઇનટેનન્સની કામગીરી કરવામાં આવે છે. આ સતત ચાલતી કામગીરી છે.> અજય પરમાર, નાયબ ઇજનેર, જામનગર પીજીવીસીએલ.

... તો ચોમાસામાં બે છાંટા પડતા જ કેમ વીજળી ગુલ થાય છે?
જામનગરમાં પીજીવીસીએલ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વીજલાઇનો, ટ્રાન્સફોર્મરનું સમારકામ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં વરસાદના છાંટા પડતા વીજળી ગુલ થઇ જાય છે. આટલું જ નહીં છાશવારે વીજલાઇન અને ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટના કારણે વીજપુરવઠો કલાકો સુધી ખોરવાઇ જાય છે. આથી વીજકંપનીની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...