મેઘરાજા મહેરબાન થયા:જામનગરના 6 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચથી લઈ સવા છ ઇંચ વરસાદ ખાબક્યો, 7 ડેમમાં નવા નીરની આવક

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડનો ઉંડ 3 ડેમ ઓવરફ્લો, ફોફળ બે ડેમ 90 ટકા ભરાઈ જતા છલકાવાની તૈયારીમાં​​​​​​​
  • સૌથી વધુ જોડિયા પંથકમાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો, કેશીયા ગામે કાચું મકાન ધરાશાયી થયું

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન અડધા ઇંચથી લઈ સવા છ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાકના ગાળા દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ જોડીયામાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ લાલપુર તાલુકા મથકે નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે કાલાવડમાં આવેલો ઉંડ 3 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જિલ્લાના 25 પૈકી 7 ડેમમાં નવા નીરની આવક થઈ છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં
જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઇકાલ સવારે 6:00 વાગ્યાથી માંડીને આજે વહેલી સવારના છ વાગ્યા સુધીના 24 કલાકના ગાળા દરમિયાન પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જોડિયા પંથકમાં સાંબેલાધાર 6.25 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે તાલુકા મથકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેશીયા ગામે એક કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ ભારે વરસાદને લઈને નદીનાળા બે કાંઠે વહેતા થયા હતા.

​​​​​​​ક્યા કેટલો વરસાદ પડ્યો?
આ ઉપરાંત જામજોધપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સીદસર ખાતે આવેલો ઉમિયા સાગર ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો હતો. તેમજ કાલાવડ તાલુકા મથકે પણ પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારના અમુક ગામોમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું. તો બીજી તરફ જામનગર શહેરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય પંથકમાં 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને મોટી બાણુગાર અને ચંદ્રગા ગામે નદીઓ બે કાંઠે વહી હતી. ધ્રોલમાં પણ પોણા 2 ઇંચ તેમજ લાલપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
25 પૈકીના 7 ડેમમાં નવા નીરની આવક
જિલ્લામાં સાર વરસાદના કારણે 25 પૈકીના 7 ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેમાં કાલાવડ પંથકમાં આવેલો ઊંડ 3 ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે ફોફળ 2 ડેમ 90 ટકા ભરાઈ જતા છલકાઈ જવાની તૈયારીમાં છે.

અન્ય સમાચારો પણ છે...