ભેદ ઉકેલાયો:જામનગર ઉદ્યોગનગરમાં થયેલી બ્રાસ ચોરી મામલે ચાર મજૂર સહિત 6 શખ્સોની ધરપકડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17076 કિલો બ્રાસનો ભંગાર મારુતિ વેન સહિત કુલ રૂ.76,48,440 મુદ્દામાલ કબજે કર્યો

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝમાં થયેલ બ્રાસનો ભંગાર અને લોખંડના સળિયાની ચોરીના કેસમાં જામનગર ક્રાઈમ બ્રાંચે છ શખ્સોને ઝડપી લઇ રૂા.76 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જામનગર શહેરમાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં સુરેશભાઇ હીરપરાના સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગત તા.1/4/2022 થી 15/10/2022 ના સમયગાળા દરમિયાન રૂા.84,48,000 ની કિંમતના 19200 કિલો બ્રાસના ભંગારની ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ફરિયાદીના કારખાનામાં કામ કરતા શખ્સો સંડોવાયેલ છે અને ચોરીનો માલ દરેડ ફેસ-3 કનસુમરા રોડ પર આવેલ ઓરડીમાં રાખ્યો હોવાની બાતમીના આધારે એલસીબીના સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા તથા શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ આર.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ રેઈડ દરમિયાન છ શખ્સોને ઝડપી લીધા હતાં.

રેઈડ દરમિયાન એલસીબીએ મધુસુદન ગજેન્દ્ર પાત્રા, બિકાસ રાજકુમાર કંસારછી, હરીરામ અશોક કુમી, ધનજય સહદેવ ભાતુ પાન, શબ્બીર બોદુ ખીરા તથા આસીફ હોદ્દાસ મકરાણી નામના છ શખ્સોને ઝડપી લીધા હતાં તેમજ નરેન્દ્ર કિશોરીલાલ કુર્મી તથા મોસીન હોદ્દાસ મકરાણી નામના બે શખ્સોને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. રેઈડ દરમિયાન આરોપી મધુસુદન ગજેન્દ્ર પાત્રા પાસેથી રૂા.71,79,040 ની કિંમતનો 16316 કિલો બ્રાસનો ચોરીનો ભંગાર તથા સળિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આસીફ મકરાણી પાસેથી રૂા.1,23,200 ની કિંમતનો 280 કિલો ચોરીનો ભંગાર તથા શબ્બીર ખીરા પાસેથી રૂા.2,11,200 ની કિંમતનો 480 કિલો બ્રાસનો ભંગાર કબ્જે કર્યો હતો. આ રેઈડ દરમિયાન રૂા.75,13,440 ની કિંમતનો 17076 કિલો બ્રાસનો ભંગાર તથા સળિયા તેમજ રૂા.1 લાખની કિંમતની મારૂતિ વેન તેમજ રૂા.35 હજારની કિંમતના છ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.76,48,440 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપીઓ ફરિયાદીના કારખાનામાં મજૂરી કામ કરતા હોય ગોડાઉનમાં રાખેલ ભંગાર તથા બ્રાસના સળિયા, ગોડાઉન સટરના સાઈટમાં આવેલ પટ્ટીઓ મશીન વડે કાપી નાખી હતી. જેથી ચોરી દરમિયાન કોઇને ખબર ન પડે. કોઇ જોવે તો પ્રથમ દ્રષ્ટિએ સટરમાં લોક લાગેલું દેખાઇ આવે પરંતુ, આ ગેંગના સભ્યો મોડીરાત્રે સટર ઉંચકી ગોડાઉનમાંથી ચોરી કરી મેઈન દરવાજાના ડુપ્લીકેટ ચાવી બનાવી લોક ખોલી મુદ્દામાલ મારૂતિ વેનમાં ભરી લઇ જતા હોવાની કેફીયત આપી હતી. આરોપીઓ પૈકી આસીય મકરાણી વિરૂધ્ધ અંદાજિત 26 લાખની જાલી નોટ તથા વર્ષ 2014 માં જિલ્લા જેલમાં મોબાઇલ ફોન વાપરવા અંગે તેમજ શબ્બીર ખીરા વિરૂધ્ધ અમદાવાદમાં બ્રાસચિટિંગના ગુના પણ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...