હુકમ:શહેરમાં ચેક પરત કેસમાં વેપારીને 6 મહિનાની કેદ, કોર્ટ સમક્ષ ચેક આપતા લેણું સાબિત થયું

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચેકની રકમ રૂ.57000 નો દંડ ફટકારાયો

જામનગરમાં ચેક પરત કેસમાં અદાલતે વેપારીને 6 મહિનાની કેદની સજા ફટકારી છે. ચેકની રકમ રૂ.57000 નો દંડ પણ ફટકાર્યો છે. સમાધાન માટે કોર્ટ સમક્ષ ચેક અપાતા લેણું સાબિત થયું હતું. જામનગરમાં રહેતા મનસુખલાલ તુલસીદાસ ઝાઝલ પાસેથી ફળના વેપારી નુરમામદ વલીમામદ મનોરીયાએ રૂ.57 હજાર હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફરતા મનસુખલાલે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસ ચાલુ હતો ત્યારે કોર્ટ સમક્ષ બંને પક્ષે સમાધાન થતા નુરમામદે સમાધાનના ભાગરૂપે ચેક આપ્યો હતો.

આ ચેક પણ બેંકમાંથી પરત ફરતા મનસુખલાલે કેસ કર્યો હતો.આ કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે, આરોપીએ કોર્ટ સમક્ષ સમાધાન વખતે ચેક આપ્યો હતો અને વિથ-ડ્રો પુરસીસમાં સહી કરી હોય તે દસ્તાવેજી ગણાય.આરોપીએ વિથ-ડ્રો પુરસીસને પડકારી પણ નથી.

આટલું જ નહીં આરોપીએ વખતોવખત મળેલી નોટિસની પણ દરકાર ન કરી નાણા ચૂકવ્યા ન હતા. આથી ચેક રિટર્નના કેસમાં અદાલતે ફરિયાદ અને આરોપી બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ આરોપી નુરમામદને તક્સીરવાન ઠરાવી 6 મહિનાની કેદની સજા અને ચેક મુજબનો રકમનો દંડ ફટકાર્યો છે. જો 90 દિવસમાં વળતર ચૂકવવામાં નહીં આવે તો વધુ 15 દિવસની કેદ ભોગવવાનો હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...