ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની 9 આયુર્વેદ કોલેજના જોડાણ એક સાથે સ્થગિત કરી દેવાતા ગુજરાતને 540 આયુર્વેદ સીટોનું સીધું નુકસાન જતું હોવાથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે હડકંપ મચી ગયો હતો. જામનગરસ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની મિટિંગમાં આ કોલેજ સંચાલકો પાસે અંડરટેકિંગ અને રૂ. 50 લાખની ડિપોઝિટ લેવાનો નિર્ણય કરાયો હતો.
જોકે, આટલી મોટી રકમ અને કાંડા કાપી લેવા જેવા અન્ડરટેકીંગથી સંચાલકો અકળાઈને ગાંધીનગર દોડી જતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવો પડ્યો હતો. કોશન મની તરીકે રૂ. 50 લાખ લેવાના બોર્ડ ઓફ ગવર્નન્સના નિર્ણયમાં ફેરફાર કરીને આ રકમ રૂ. 10 લાખ કરવામાં આવી હતી.
અને સાથે નિયત અન્ડરટેકિંગ લઈને કોલેજોને જોડાણ આપી દેવાનો નિર્ણય કરાયો હતો. રાજકોટની 4 સહિત રાજ્યની નવે નવ કોલેજના સંચાલકોએ આ રકમ ભરીને ખામીઓ દૂરસ્ત કરવાનું અન્ડરટેકીંગ આપી દેતા આ તમામ નવે નવ આયુર્વેદ કોલેજને યુનિવર્સિટી દ્વારા હવે પૂન: જોડાણ આપી દેવામાં આવ્યા છે. પરિણામે એક કોલેજની 60 સીટ ગણતા ગુજરાતની 9 કોલેજની 540 આયુર્વેદની સીટો બચી જવા પામી છે.
આ 9 આયુર્વેદ કોલેજને પૂન: જોડાણ મળી ગયા
(1) બચુભાઈ ગોવિંદભાઈ ગેરૈયા આયુર્વેદ કોલેજ - રાજકોટ
(2) ધન્વંતરી આયુર્વેદ કોલેજ - મહીસાગર
(3) ઇવા આયુર્વેદ કોલેજ - રાજકોટ
(4) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ - રાજકોટ
(5) જય જલારામ આયુર્વેદ કોલેજ - શિવપુરી, પંચમહાલ
(6) મુરલીધર આયુર્વેદ કોલેજ - રાજકોટ
(7) બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય - લોદરા, ગાંધીનગર
(8) મર્ચન્ટ આયુર્વેદ કોલેજ - વિસનગર
(9) વસંત પરીખ આયુર્વેદ કોલેજ - વડનગર
ખામીઓ દૂરસ્ત કરનારી કોલેજને કોશન મની પાછા અપાશે: કુલપતિ
રાજ્યની જે 9 કોલેજના જોડાણ સ્થગિત કરાયા હતા તેમાંથી કેટલીક કોલેજના સંચાલકો પહેલા અન્ડરટેકિંગ આપવા તૈયાર નહોતા અને અમુકે આપેલા અન્ડરટેકિંગ નિયત ફોર્મેટમાં ન હોવાથી સ્વીકારાયા ન હતા. જોકે, હવે નવેનવ કોલેજના અન્ડરટેકિંગ અને દસ - દસ લાખ કોશન મની જમા થઈ જતા અમે જોડાણ દઈને કાગળો દિલ્હી મોકલી આપ્યા છે,
હવે દિલ્હીથી મંજૂરી મેળવવાની રહેશે. આ કોલેજો પોતાની ત્રૃટીઓની પરીપૂર્તતા કરી લેશે ત્યારે કોશન મની તરીકે જમા લીધેલા 10 લાખ રૂપિયા તેમને પરત આપી દેવાશે. > ડો. મુકુલ પટેલ, કુલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર.
ઐતિહાસિક ઘટનાક્રમ : ક્યારે શું બન્યું ?ઐતિહાસિક ઘટનાક્રમ : ક્યારે શું બન્યું ?
(1) 11 ડિસેમ્બર 2022 : ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની નવ આયુર્વેદ કોલેજના જોડાણ એક સાથે સ્થગિત કરવાની ખબર ભાસ્કરે ‘બ્રેક’ કરી
(2) 13 ડિસેમ્બર 2022 : જામનગર આયુર્વેદ યુનિવર્સિટી ખાતે દોડી આવેલા કોલેજ સંચાલકોએ એક તક આપવા માટે કુલપતિને રજૂઆત કરી
(3) 24 ડિસેમ્બર 2022 : બોર્ડ ઓફ ગવર્નન્સની મિટિંગમાં રૂ. 50 લાખ કોશન મની અને અંડરટેકિંગ લઈને જોડાણ આપવાનો નિર્ણય કરાયો
(4) 6 જાન્યુઆરી 2023 : રાજ્ય સરકારની દરમિયાનગીરીથી ઘટાડીને 10 લાખ કરાયેલા કોશન મની અને અન્ડરટેકિંગ આપી દેવાતા જોડાણ મળી ગયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.