દિવ્ય ભાસ્કરનું સ્ટિંગ ઓપરેશન:જામનગરમાં SPના બંગલાથી 50 મીટરના અંતરે જ થાય છે દેશી દારુનું બેરોકટોક વેચાણ, 50 રૂપિયામાં જ મળી જાય છે દારૂની પોટલી

જામનગર12 દિવસ પહેલા
  • રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પણ જામનગરમાં બેરોકટોક વેચાઈ રહ્યો છે દારૂ

બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બાદ દારૂબંધીને લઈ રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. જો કે, જામનગરમાં લઠ્ઠાકાંડની કોઈ અસર જ ન થઈ હોય તે રીતે શહેરની મધ્યમાં જૂના રેલવે સ્ટેશન પાસે દિવસ-રાત દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સ્થળ એસપી બંગલાથી 50 મીટરના અંતરે જ આવેલું છે. દિવ્ય ભાસ્કર ડિજિટલના રિપોર્ટરે સ્ટીંગ ઓપરેશન કરતા પચાસ રૂપિયા આપતા જ દેશી દારૂની પોટલી આપી દેવામાં આવી હતી.

જૂના રેલવે સ્ટેશનની જગ્યામાં દારૂનું વેચાણ
જામનગરના ઈન્દિરા માર્ગ પર જૂના રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ ખંઢેર હાલતમાં હાલ ઉભું છે. ગાંધીનગર પાસે નવું રેલવે સ્ટેશન બની ગયું હોવાના કારણે આ જગ્યા હાલ બિનઉપયોગી પડી છે. જેના કારણે કેટલાક લોકો વર્ષોથી અહીં દબાણ કરી રહી રહ્યા છે. આ જગ્યા પર વર્ષોથી દેશી દારૂનું બેરોકટોક વેચાણ પણ થઈ રહ્યું છે.

રિપોર્ટરે 50 રૂપિયા આપતા જ દેશી દારૂની કોથળી આપી દીધી
દિવ્ય ભાસ્કર ડિજિટલના રિપોર્ટર હિરેન હિરપરાએ ગુરુવારે રાત્રિના સમયે જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં જઈ દેશી દારૂના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. અહીં ઉભેલા એક શખ્સને 50 રૂપિયા આપતા જ દેશી દારૂની કોથળી આપી દીધી હતી.

રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ જામનગર પોલીસ ક્યારે જાગશે?
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરની પોલીસ એકશનમાં આવી છે અને દારૂના ધંધાર્થીઓ પર તવાઈ બોલાવી છે. એવામાં જામનગરમાં હાલ પણ દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોય અહીં પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...