જામનગર કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો, આજે નવા 129 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 450 ને પાર પહોંચ્યો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 82 કોરોના પોઝિટિવ નોંધાયા અને 16 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • જીલ્લામાં 47 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 11 દર્દીઓ કોરોના અને માત આપવામાં સફળ

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 129 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં 82 કોરોના કેસ સામે આવ્યા જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ 47 કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને 450 થી વધુ પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 129 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 450 ને પાર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 03 હજાર 198 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 36 હજાર 650 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

કલ્યાણ પોલિટેક્નિક કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ
જામનગરની કલ્યાણ પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા અને બે વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણ જોવા મળતા કોલેજમાં ચાલતું ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું છે. કોલેજમાં હાલ ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

તો બીજી તરફ જામનગરની આદર્શ હોસ્પિટલના ઈએનટી સર્જન ડો. ભાવેશ મહેતા અને તેના પત્ની કોરોના સંક્રમિત થતા તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી સાવચેતી રાખવા અપીલ કરી હતી.

જયારે જામનગર રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં મંગળવારે ભરાતી ગુજરી બજારમાં કોવિડ ટેસ્ટની કામગીરી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

મુસાફરોના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહત અનુભવી
જામનગર રેલ્વે સ્ટેશન પર છેલ્લા 40 દિવસમાં એટલે કે 1 ડિસેમ્બર 2021 થી 9 જાન્યુઆરી 2022સુધીમાં બહારગામથી જામનગર આવતા 1299 મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામના મુસાફરોના રિપોર્ટ નેગેટીવ આવતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

મહામારીની ત્રીજી લહેરને પહોંચી વળવા મહાનગર પાલિકાની કચેરીમાં કોવિડ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
જામનગરમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા શહેરમાં કોરોનાને લગતી સારવાર અને વેક્સિનેશનની યોગ્ય માહિતી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા મનપામાં આવેલા ફાયર સ્ટેશન ખાતે કોરોના કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેના નંબર 95120 23431 અને 95120 23432 છે. આ નંબર ઉપરથી શહેરીજનો કોરોનાને લગતી માહિતી મેળવી શકશે, ઉપરાંત કોરોનાથી બચવા માટેની જરૂરી દવાઓ તથા તબીબી માર્ગદર્શન પણ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...