જામનગરમાં રણજીતસાગર રોડ પર ઇવા પાર્ક-2 વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે જુદા જુદા ચારેક મકાનોને નિશાન બનાવી તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો જેમાં ઇવા પાર્ક આવાસમાં રહેતા કમલેશગીરી હિરાગીરી ગોસાઇના ફલેટના દરવાજાના લોક તોડી અંદર ધુસીને કબાટમાંથી સોનાની બેટી, પાટલા, ચાંદીના બે પાટલા સહિતનો મુદામાલ તસ્કર ઉસેડી ગયાનુ બહાર આવ્યુ છે.
ઇવા પાર્ક-2 શેરી નં.4માં રહેતા કિશનભાઇ માધાણીના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ અને તાળા તોડી કબાટ અંદરથી રૂ.20 હજારની રોકડ ઉપરાંત સોનાની વિટી,બુટી વગેરે ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો. જુદી જુદી બે ઘરફોડીમાં તસ્કર રોકડ-દાગીના સહિત રૂ.45 હજારની મતા ચોરી કરી ગયાનુ જાહેર થયુ છે.
આ ઉપરાંત અન્ય એક ફલેટના પણ તાળા તુટયા હોવાનુ સામે આવ્યુ હતુ.ચોરીના આ બનાવની ભોગગ્રસ્ત કમલેશગીરી ગોસાઇની ફરીયાદ પરથી પોલીસે ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે.ઇવા પાર્ક-2 માં જુદા જુદા સ્થળે આંટા ફેરા કરનારા મોઢે બુકાની બાંધેલા ચારેક શકમંદો સીસીટીવી કેમેરામાં કેદ થયાનુ સામે આવ્યુ છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે એફએસએલ વગેરેની મદદ મેળવી છે.પોલીસે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.