જામનગર શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4 થી વધુની તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. જેનું કેન્દ્રબિન્દુ જામનગર શહેરથી 14 કિ.મી. દૂર આવેલા જીવાપર પાસે નોંધાયું છે.
આ અગાઉ 187 દિવસ પહેલા 13 ફેબ્રુઆરીના દિવસે જામનગરમાં ભૂકંપ આવ્યો હતો એ પણ 3.5ની તિવ્રતાનો હતો. છેલ્લા 10 મહિનામાં આ ત્રીજો આંચકો છે અને ત્રણે ત્રણ આંચકાની તિવ્રતા 3થી વધુની નોંધાઈ છે. ભૂકંપથી શહેરમાં ગભરાટ ફેલાયો હતો.
જામનગર શહેરમાં સાંજે 7 અને 13 મિનિટે ધરા ધ્રુજી ઉઠી હતી. સિસ્મોલોજી વિભાગમાં આંચકાની તિવ્રતા 4.3 રિકટર સ્કેલની નોંધવામા આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર નથી આવ્યા. જો કે, લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જિલ્લાના ચાર તાલુકામાં આંચકાનો અનુભવ થયો
જામનગર શહેરમાં સાંજે સવા સાત વાગ્યાના અરસામાં અનુભવાયેલા ભૂકંપના આંચકાની જેમ જ જિલ્લાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકાના લોકોએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ નુકસાનીના સમાચાર મળ્યા નથી.
મોટો બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું
દરવાજા પાસે ઉભો હતો ત્યારે મોટો બોમ્બ ફુટ્યો હોય તેવું લાગ્યું અને ધરા ધ્રુજી ઉઠી. આંચકાનો અનુભવ થતા હું અને આજુબાજુની ઇમારતોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. કંઈ નુકસાન થયું નથી તેમ એકબીજાને પૂછીને ચેક કર્યું હતું. > પ્રદિપસિંહ જાડેજા, ગાંધીનગર જામનગર.
જામનગરમાં આ રીતે સમજો ભૂકંપની પેટર્ન
જામનગરમાં 2020માં ઓકટોબર મહિનામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 32 કીમી દૂર હતું. ત્યાર પછી 4 મહિના બાદ 2021ની 13 ફેબ્રુઆરીએ 3.5 રીકટર સ્કેલનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી 27 કિમી દૂર હતું. હવે 6 મહિના પછી ફરી તા.18 ઓગષ્ટે આંચકો આવ્યો છે અને 4.3ની તિવ્રતા સાથે તેનું કેન્દ્રબિંદુ 14 કિમી દૂર નોંધાયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.