જામનગરમાં છેલ્લાં બે વર્ષમાં ટ્રાફીક પોલીસે જુદા-જુદા નિયમોના ભંગ સબબ 30047 ચલણ બનાવતા શહેરમાં દરરોજ સરેરાશ 42 લોકો ટ્રાફીકના નિયમ તોડી રહ્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે. જેમાં ખોટું પાર્કિગ કરવાના સૌથી વધુ 19495 ચલણ બન્યા છે તો મોબાઇલ પર વાત કરતા 1536 દંડાયા છે. શહેરમાં ટ્રાફીક પોઇન્ટ પરના મોટા ભાગના સિગ્નલ બંધ હોય અને જે ચાલુ છે ત્યાં તે પ્રમાણે ટ્રાફીક સંચાલન થતું નથી છતાં સિગ્નલ ભંગના 32 કેસ ટ્રાફીક પોલીસે કરતા અનેક સવાલ ઉઠયા છે.
જામનગર શહેરમાં વાહનોની સંખ્યા રોજ વધી રહી છે. જેના કારણે ટ્રાફીક નિયમના ભંગના કેસ પણ વધી રહ્યા છે. શહેરમાં ટ્રાફીક પોલીસે નિયમના ભંગ સબબ વર્ષ 2020-21 માં 18159 અને વર્ષ 2021-22 માં 12288 ચલણ બનાવ્યા છે. બંને વર્ષના આંકડા પરથી શહેરમાં દરરોજ સરેરાશ 42 વ્યકિત ટ્રાફીકના નિયમો તોડી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે. જેમાં ખાસ કરીને શહેરમાં આડેધડ પાર્કિંગના સૌથી વધુ 19495 કેસ નોંધાયા છે.
જયારે ત્રિપલ સવારી કરતા 958 કેસ નોંધાયા છે. આમ ટ્રાફીક પોલીસે બે વર્ષમાં કુલ 30447 કેસ કર્યા હોવા છતાં શહેરમાં ટ્રાફીક સમસ્યા જેમની તેમ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ઠેકઠેકાણે ટ્રાફિકની વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી લાગણી પણ શહેરીજનોમાં લાંબા સમયથી પ્રવર્તી રહી છે.
રસપ્રદ આંકડા | કયાં નિયમ ભંગમાં ક્યા વર્ષે કેટલા ચલણ બનાવાયા
ભૂલ | 2020-21 | 21-22 |
સીગ્નલ તોડવું | 15 | 17 |
હેલમેટ વગર | 624 | 114 |
નંબર પ્લેટ | 861 | 458 |
ફોન પર વાત | 1032 | 504 |
સીટ બેલ્ટ | 1858 | 689 |
કાળી ફિલ્મ | 291 | 117 |
તેજ ગતિ | 372 | 294 |
ત્રણ સવારી | 787 | 171 |
લાયસન્સ વગર | 377 | 731 |
ખોટું પાર્કિંગ | 11158 | 8337 |
ઓવરલોડ | 45 | 37 |
અન્ય | 739 | 819 |
1108 લાયસન્સ વગર પકડાયા
આડેધડ વાહન પાર્કિંગમાં ટ્રાફિક પોલીસને વધુ રસ
જામનગરમાં ટ્રાફીક પોલીસ શહેરના મુખ્ય માર્ગો પર ફરજ બજાવી રહી છે. શહેરમાં આડેધડ પાર્કિંગ, જાહેરનામા અને વન-વેનો ભંગ, મોબાઇલ પર વાત, ઓવરસ્પીડ સહિતની સમસ્યા પ્રર્વતી રહી છે. પરંતુ શહેરમાં ટ્રાફીક પોલીસને ફકત આડેધડ વાહન પાર્કિંગના કેસ વધુ કરવામાં રસ છે. કારણ કે, બે વર્ષમાં સૌથી વધુ 19495 કેસ નોંધાયા છે. જયારે 1108 લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાયા છે.
કામગીરી સામે સવાલ
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 5,871 કેસ ઓછા નોંધાયા
જામનગરમાં દિન પ્રતિદિન વસતીની સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેના કારણે શહેરમાં ટ્રાફીકના નિયમની કડક અમલવારી જરૂરી બની છે. આમ છતાં જામનગર શહેરમાં વર્ષ 2020-21 માં કુલ 18159 ટ્રાફીકના નિયમના ભંગના કેસ નોંધાયા હતાં. જેની સામે વર્ષ 2021-22 માં 12288 કેસ નોંધાયા છે. આમ ગત વર્ષ કરતા 5871 કેસ ઓછા નોંધાતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.