કેદની સજા:જામનગરમાં સસરા પર હુમલો કરનાર જમાઈને 4 વર્ષની સજા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની રિસામણે ચાલી ગઇ હતી, રૂ.5000નો દંડ ફટકારતી અદાલત

જામનગરમાં 10 વર્ષ પહેલા જમાઈએ સસરા પર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે જમાઈને 4 વર્ષની કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યો છે. જમાઈએ પોતાની પત્નીને પરત મોકલવા અને ભરણપોષણની અરજી પરત ખેંચવાનું કહી હુમલો કર્યાનું જાહેર થયું હતું.

શહેરના ધરારનગર-1 વિસ્તારમાં કાપડ મીલની ચાલી પાસે રહેતા કારા ઉર્ફે અસગર ઓસમાણ અંસારીના નિકાહ ઈશાક કાસમભાઈ રાવકડાની પુત્રી મુમતાઝ સાથે થયા પછી કોઈ બાબતે બંને વચ્ચે વિખવાદ થતાં મુમતાઝબેન રિસામણે પિયર ચાલ્યા ગયા હતા. ત્યારપછી અસગર અંસારી સામે અદાલતમાં ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો.

આ કેસ પાછો ખેંચી લેવા અને મુમતાઝને પાછી મોકલવા પતિ અસગરે ગત તા.16-9-2012 ના સાસરે આવી સસરા ઈશાકભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. આ વેળાએ ઉશ્કેરાયેલા અસગરે છરી કાઢી સસરા પર હુમલો કરી બે ઘા ઝીંકી સસરાની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતની પોલીસમાં ફરિયાદ બાદ કેસ ચાલી જતાં જામનગરની સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. ચૌધરીએ આરોપી અસગર ઓસમાણ અંસારી ઉર્ફે કારાને તક્સીરવાન ઠેરવી ચાર વર્ષની કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો છે. સરકાર તરફથી એપીપી પિયુષ પરમાર રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...