વિવાદ પૂર્ણ થયો:જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં 4 સાયલેન્સર લગાવાતા હવે ઘોંઘાટ નહીં થાય

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરથી નવાગામ ઘેડ સુધીના રહેવાસીઓ અવાજથી પરેશાન હતાં, આવેદન અપાયું હતું

જામનગરમાં ગાંધીનગર નજીક કાર્યરત થયેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી આવતા મોટા અવાજોથી ગાંધીનગરથી નવાગામ ઘેડ સુધીનાં વિસ્તારનાં સ્થાનિકો પરેશાન છે. આ અવાજો બંધ કરવા મહાકાલ સેના દ્વારા પ્લાન્ટનાં સંચાલકોને ચીમકી સભર રજૂઆત કરવામાં આવી હતી. રાજકીય આગેવાનોએ પણ તંત્રને ઘટતુ કરવા રજૂઆતો કરી હતી. સોમવારે મહાકાલ સેના દ્વારા ફરી આ મુદ્દે પ્લાન્ટના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ કંપની દ્વારા અવાજ કરતા સાધનો પર સાયલેન્સર ફીટ કરી દેવાતા અવાજ બંધ થઈ ગયો છે જે મામલે સુખદ અંત આવ્યો છે.

જામનગરમાં ગાંધીનગર નજીક કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ’ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ શહેરનાં તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોનાં કચરાનો નિકાલ કરી તેમાંથી વીજળી ઉત્પન્ન કરશે. શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકવાની શક્યતાવાળા આ પ્લાન્ટની ઘોંઘાટપૂર્ણ સાઇડ ઇફેક્ટથી આસપાસનાં અનેક વિસ્તારનાં સ્થાનિકોની ઊંઘ ઉડી ગઇ છે.

પ્લાન્ટમાંથી નીકળતો મોટો અવાજ ગાંધીનગરથી નવાગામ ઘેડ સુધીનાં વિસ્તારોમાં સંભળાય છે. રાત્રે પણ પ્લાન્ટ ચાલુ રહેવાથી તેનાં અવાજોથી લોકો ઊંઘી પણ શકતા ન હોવાની ફરિયાદોને પગલે મહાકાલ સેના દ્વારા પ્લાન્ટમાંથી નીકળતા અવાજો તાકીદે બંધ કરવા પ્લાન્ટનાં સંચાલકો-અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જો એમ ન થાય તો આક્રમક વલણ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

આ ચિમકીના પગલે પ્લાન્ટ ઉપર હાજર અધિકારીએ પ્લાન્ટમાં 4 સાયલન્સર લગાડવાની કાર્યવાહી હાથ ધરાવામાં આવી હોવાનું તથા તેને કારણે છેલ્લા બે દિવસથી પ્લાન્ટ બંધ હોવાનું જણાવ્યું હતું. પ્લાન્ટમાં સાયલન્સર લાગી ગયા પછી પ્લાન્ટમાંથી નીકળતા અવાજની તીવ્રતામાં ઘટાડો થઈ જશે અને સ્થાનિકોને ડિસ્ટર્બ નહી થાય તેવી મૌખિક બાંહેધરી પ્લાન્ટનાં અધિકારી દ્વારા આપવામાં આવી છે. આમ, હાલ તો આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...