માવઠા સમાચાર:જામનગર અને કલ્યાણપુરમાં 4, લાલપુર અને ભાણવડ તાલુકામાં 3, ધ્રોલ, જોડિયા, ખંભાળિયામાં 2, દ્વારકા તાલુકામાં 1 મીમી કમોસમી ઝાપટાં

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર શિયાળે અષાઢી માહોલ - દિવસભર વાદળછાયા વાતારવણથી વાયરલ રોગચાળો વકરવાની ભીતિ
  • જીરૂ, અજમો, ચણા, ઘઉં સહિતના રવિપાકને વ્યાપક નુકસાન થશે
  • જિલ્લાની ખાનગી શાળાઓમાં છાત્રોની હાજરી અને રસીકરણ ઘટ્યા

જામનગરની સાથે રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બુધવારે રાત્રીથી ભર શિયાળે અષાઢી માહોલ છવાયો છે. હાલારમાં બુધવારે રાત્રીથી ગુરૂવારે સાંજ સુધીમાં કમોમસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જામનગર, કલ્યાણપુરમાં 4, લાલપુર અને ભાણવડ તાલુકામાં 3, ધ્રોલ, જોડિયા, ખંભાળિયામાં 2, દ્રારકા તાલુકામાં 1 મીમી કમોસમી ઝાપટાં વરસ્યા છે.

માવઠાના કારણે જીરૂ, અજમો, ચણા, ધઉં સહિતના રવિપાકને વ્યાપક નુકસાન થશે. બીજીબાજુ જિલ્લાની ખાનગી શાળાઓમાં વિધાર્થીઓની હાજરી ઘટી ગઇ છે. ભર શિયાળે અષાઢી માહોલથી વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું છે. વાદળછાયા વાતાવરણથી તાવ, શરદી, ઉધરસના વાયરલ રોગચાળો વકરવાની ભીતિ નકારી શકાતી નથી.

રાજયના હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે બુધવારે રાત્રીથી હાલારમાં કમોસમી વરસાદના ઝાપટા વરસવાના શરૂ થયા હતાં. આખી રાત હળવા છાંટા પડયા હતાં. જામનગર શહેર ઉપરાંત લાલપુર, જોડિયા, ધ્રોલ, ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, દ્રારકા તાલુકામાં માવઠું થયું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં હળવા-ભારે કમોસમી વરસાદના ઝાપટાના કારણે જીરૂ, અજમો, ચણા, ઘઉં સહિતના રવિપાકને વ્યાપક નુકસાન થશે. વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં. બીજી બાજુ વાતાવરણ ઠંડુગાર થતાં લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. વરસાદ સાથે શિયાળો હોય સ્વેટર પહેરવું કે રેઈનકોટ તે અંગે લોકો મુંઝવણમાં મૂકાયા હતાં.

જામનગર યાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળીનો જથ્થો ઢાંકી દેવાયો
જામનગર માર્કેટીંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહીના પગલે મગફળી અને મરચાની આવક બંધ કરવામાં આવી છે. ગુરૂવારે યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળીનો જથ્થો વેપારીઓએ ઢાંકી દીધો હતો. આમ છતાં અમુક જથ્થો પલળી ગયો હતો. અજમાના હરાજીમાં રૂ.1990 થી 5500 બોલાયા હતાં. 152 ખેડૂત અજમો વેચવા આવતા 3162 મણ અજમો ઠલવાયો હતો. એક દિવસમાં 297 ખેડૂત આવવા છતાં જણસોની આવક ઘટીને ફકત 6435 મણ થઇ હતી.

કૃષિ વિશેષજ્ઞ
વાતાવરણ સ્વચ્છ બને તે પછી પિયત આપવું, દવા પણ છાંટવી

કમોસમી વરસાદના કારણે રવિપાકને ખૂબજ નુકસાન થશે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે. આથી ચણા, રાઇ, ધઉં, જીરૂ, અજમો, ધાણાને વાદળછાયા વાતાવરણમાં પિયત આપવું નહીં. વાતાવરણ સ્વચ્છ બને ત્યારબાદ પિયત કરવું. ખુલ્લામાં કે કાપણી કરેલા પાક પલળે નહીં તે માટે ઢાંકીને રાખવા. રવિ પાકને રોગથી બચાવવા હેકઝોકોનાઝેબ 25 મીલી, કાર્બેન્ડેઝીમ 20 ગ્રામ, ટેબુકોનાઝોલ 30 મીલી અથવા મેન્કોઝેબ 50 ગ્રામ, ફલોકમીસ્ટ્રોબીન અને ટેબેકોનાઝોલ 15 ગ્રામ, એઝોસ્ટ્રીસ્ટ્રોબીન 15 ગ્રામ પૈકી કોઇ પણ એક દવાનો છંટકાવ કરવો. વરસાદ પછી જીવાતનો ઉપદ્રવ વધવાની શકયતા હોય ઓર્ગેનીક ખેતી કરતા ખેડૂતોએ બિવેરિયાનો છંટકાવ કરવો. > કાંતિભાઇ બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર.

તબીબી વિશેષજ્ઞ
સ્થૂળ લોકોએ તકેદારી રાખવી, ઈમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો

કોરોનાના કહેર વચ્ચે કમોસમી વરસાદના કારણે લોકોએ આરોગ્ય અંગે તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને કામ વગર બહાર ન નીકળવું. બને ત્યાં સુધી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો. ભીડભાડવાળી જગ્યાએ ટાળવું. જે વ્યકિત બિમાર હોય અને તાવ, શરદી, ઉધરસ હોય તેઓએ સ્વયં હોમઆઇશોલેશનમાં રહેવું. રોગપ્રતિકારક શકિત વધે તેવા વિટામીન એ અને સી ધરાવતા ફળો અને ભોજન લેવું. બીજી લહેરમાં મેદસ્વીતા એટલે કે વધુ વજન ધરાવતા લોકોને કોરોનાની અસર વધુ જોવા મળી હતી. આથી શરીરનું વજન ન વધે તેની તકેદારી રાખવી. પ્રાણાયામ, યોગા, વોકીંગ કરવું જેથી ફેંફસાની કાર્યક્ષમતા વધે. > - ડો.બીરેન મણવર, એપેડેમીડક ઓફીસર, જામનગર જિલ્લા પંચાયત.

અન્ય સમાચારો પણ છે...