અષાઢી મિજાજ:કલ્યાણપુરમાં 2 કલાકમાં 4, જામનગરમાં 1 ઇંચ વરસાદ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર - Divya Bhaskar
કલ્યાણપુર
  • વીજળીના કડાકા ભડાકા સાથે બપોરે મેઘરાજાએ હેત વરસાવ્યું : સમગ્ર હાલારમાં મેઘમહેર
  • લાલપુર-દ્વારકા-ધ્રોલમાં બે-બે, કાલાવડ-જામજોધપુરમાં દોઢ ઇંચ અને ભાણવડ, જોડિયામાં એક ઇંચ, ખંભાળિયામાં ઝાપટા, કલ્યાણપુરમાં તો ખેતરો જ સરોવર બન્યા

જામનગર સહીત હાલારભરમાં શનિવારે બપોરે અષાઢી મિજાજ સાથે મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ જેમાં કલ્યાણપુર પંથકમાં બે કલાકમાં ધોધમાર ચાર ઇંચ પાણી પડયુ હતુ.દ્વારકા,ધ્રોલ  અને લાલપુરમાં બે બે ઇંચ વરસાદ પડયો હતો.કાલાવડ અને જામજોધપુરમાં દોઢ ઇંચ, જામનગર,જોડીયા અને ભાણવડમાં એક ઇંચ અને ખંભાળીયામાં હળવા ભારે ઝાપટાઓ વરસ્યા હતા.દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં શનિવારે બપોરે આકાશમાં છવાયેલા કાળા ડીંબાગ વાદળો ઘોધમાર સ્વરૂપે વરસતા બે કલાકમાં ચારેક ઇંચ વરસાદ થયો હતો.મુશળધાર વરસાદના પગલે અમુક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જયારે ગ્રામ્ય પંથકમાં પણ ઘીંગા વરસાદના વાવડ મળ્યા છે.અમુક સ્થળોએ ખેતરોમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. 

યાત્રાધામ દ્વારકામાં બપોરે ઘોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે સાંજ સુધીમાં બે ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ.જોરદાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા. જયારે લાલપુરમાં મેધરાજા મન મુકીને વરસતા સાંજ સુધીમાં વધુ બે ઇંચ જેટલુ પાણી વરસ્યુ હતુ.ધ્રોલમાં સવારથી મોડીસાંજ સુધી અવિરત વરસાદે 49 મીમી પાણી પડયુ હતુ.કાલાવડ અને જામજોધપુરમાં વરસાદના પુનરાગમન કરતા 40-40 મીમી પાણી સાંજ સુધીમાં વરસ્યુ હતુ.જોડીયા અને ભાણવડ પંથકમાં હળવા ભારે ઝાપટા સ્વરૂપે વરસેલા વરસાદે એક ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ.જયારે જામનગરમાં બપોરે પોણા ચાર વાગ્યાના સુમારે આકાશમાં છવાયેલા વાદળો વરસી પડયા હતા. લગભગ દોઢ કલાક સુધી હળવા ભારે વરસાદના પગલે છ વાગ્યા સુધીમાં 21મીમી પાણી વરસ્યુ હતુ. ખંભાળીયા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટાઓ વરસતા આઠ મીમી પાણી પડયુ હતુ.જામનગર શહેર સહીત અમુક પંથકમાં મોડી સાંજે પણ ઝરમર ઝાપટાઓ યથાવત રહયા હતા.

હાલારમાં વીજત્રાટકે અત્યાર સુધીમાં સાતનો જીવ લીધો
જામનગર અને દ્વારકા પંથકમાં ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વિજળી પડવાના જુદા જુદા બનાવોમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ.આ અગાઉ લાલપુર પંથકમાં માતા અને પુત્ર,કાલાવડના નાના વડાળા પંથકમાં એક યુવક અને ખંભાળીયાના વિરમદળ પંથકમાં કાકી અને ભત્રીજીએ જીવ ગુમાવ્યા હતા.જયારે ધ્રોલ પંથકમાં વિજળી પડતા એક શ્રમિકનો પણ ભોગ લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...