ફાયર સેફટીના સાધનોના માર્ગદર્શન થી શાળાઓ વંચિત:36 સરકારી શાળામાં ફાયર સેફટી સિસ્ટમ લાગી, પણ તાલીમ ન અપાઇ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રહેઠાણ, હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોનું માર્ગદર્શન પણ શાળાઓ વંચિત

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 માંથી 36 સરકારી શાળામાં ફાયર સેફટીની સિસ્ટમ લાગી ગઇ છે. પરંતુ હજુ સુધી સ્ટાફ કે વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી નથી. શહેરમાં રહેઠાણ, હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોનું માર્ગદર્શન મનપાની ફાયર શાખા દ્વારા આપવામાં આવી રહ્યું છે. પરંતુ શિક્ષણ સમિતિની શાળાઓ વંચિત રહેતા અનેક સવાલ ઉઠયા છે. સમિતિની બાકી રહેતી 8 શાળામાં ફાયરના સાધનો લગાડાયા છે પણ પાણીનું મુખ્ય કનેકશન આપવાનું બાકી છે.

જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી ઇમારતો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળા અને આંગણવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાડવા માટે મનપા દ્બારા રૂ.1,38,03660 ના ખર્ચે આસ્ક મરીન એન્ડ લીફટ રાફટ સર્વિસિસ પ્રાઇવેટ લીમીટેડને કોન્ટ્રાકટ આપ્યો છે. આ વર્ક ઓર્ડર ગત તા.13-12-2021ના રોજ આપવામાં આવ્યો છે. આ કામગીરી 9 મહિનામાં એટલે કે ઓકટોબર-2022 સુધીમાં પૂર્ણ કરવાની હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 માંથી 36 શાળામાં ફાયર સિસ્ટમ લાગી ગઇ છે.

પરંતુ આ શાળાઓમાં ફાયર શાખા દ્વારા હજુ સુધી તાલીમ આપવામાં આવી નથી. બીજી બાજુ બાકી રહેતી 8 શાળામાં ફાયર સિસ્ટમ તો લાગી ગઇ છે પરંતુ ફકત પાણીનું મુખ્ય કનેકશન આપવાનું બાકી છે. અત્રે નોંધનીય છે કે, મનપાની ફાયર શાખા દ્રારા અત્યાર સુધીમાં શહેરમાં 166 સ્થળોએ 700 લોકોને ફાયર સેફટીના સાધનોની તાલીમ-માર્ગદર્શન અપાયું છે. પરંતુ સરકારી શાળા કે જયાં બાળકો અભ્યાસ કરે છે ત્યાં હજુ સુધી તાલીમ અપાઇ નથી.

સમયમર્યાદા પૂર્ણ છતાં જામનગર શહેરની હજુ 30 આંગણવાડીમાં સાધનો લગાડાવામાં આવ્યા નથી
જામ્યુકોએ જે એજન્સીને મનપાની ઇમારતો, સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાડવાનો કોન્ટ્રાકટ આપ્યો છે તેની સમયમર્યાદા 9 મહિનાની હતી. જે મુદત પૂર્ણ થઇ હોવા છતાં હજુ 30 આંગણવાડીઓમાં ફાયર એકસ્ટીગ્યુશર ફીટ કરવામાં આવ્યા નથી.

ફાયર સિસ્ટમના મુખ્ય સાધનો
{હોસ રીલ ડ્રમ { ફાયર હોસ બોકસ સેટ {ફાયર એલાર્મ સિસ્ટમ { ફાયર પંપ { સ્મોક ડીટેકટર { ફાયર એકસ્ટિગ્યુશર { જનરલ એસેસરીઝ

આંગણવાડીમાં તાલીમ ચાલે છે, શાળાઓમાં બાકી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત જે આંગણવાડીઓમાં ફાયર સિસ્ટમ લાગી ગઇ છે તે પૈકી ઘણી આંગણવાડીઓમાં ફાયરના સાધનો અંગે માર્ગદર્શન-તાલીમ આપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં તાલીમ આપવાની બાકી છે. જે આગામી દિવસોમાં આપવામાં આવશે.> સી.એસ. પાંડયન , ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...