કૃષિ મેળો:જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 358 ખેડૂતોએ કૃષિમેળામાં ભાગ લીધો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કૃષિ મેળો યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારત સરકાર દ્વારા કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે મંગળવારે કૃષિ મેળાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 358 જેટલા ખેડૂતો અને 35 જેટલા અધિકારીઓ મળીને કુલ 393 લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જુદાજુદા કૃષિ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યાં હતા.ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તમામ ખાતાના વડાઓ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ ને સફળ બનાવવા માટેના પ્રત્યક્ષ નિદર્શનો ગોઠવીને ઈનપુટ ઉત્પાદન, સફળ ખેતીના પગલા, મૂલ્ય વર્ધન અને માર્કેટીંગ અંગે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં નવી દિલ્હીથી કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોજના, વિકાસ અને વિસ્તરણ કરવા અંગે આહવાન કરવામાં આવેલ. કાર્યક્રમમાં આર. એસ. ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગર, ડો. કે.ડી.મુંગરા, ડો.કે.પી.બારૈયા, એચ.બી.પટેલ, સી.ઓ.લશ્કરી, ડો.રાણીપા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...