ભેદભાવ:‘સીબીએસસી કોર્સમાં 30 ટકા ઘટાડાથી ગુજરાતના વિદ્યાર્થીઓનું બોર્ડનું રીઝલ્ટ આછું આવી શકે’

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે સંપૂર્ણ કોર્સની તૈયારી કરવી પડે પરંતુ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષા બંનેના માર્કસ ગણાતા હોવાથી સીબીએસસીના વિદ્યાર્થીઓ ફાયદામાં : શિક્ષકો
  • જામનગરના ધો.12ના વિધાર્થીઓએ કહ્યું, કોર્સ ઘટે તો અભ્યાસમાં સરળતા રહેશે

કોરોનાને કારણે સીબીએસસી બોર્ડ દ્વારા વર્ષ 2021-22ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત બોર્ડ પાસે સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ 30 ટકા કોર્સ ઘટાડો માગ્યો હોવા છતાં શિક્ષણ વિભાગે મક્કમ બનીને 100 ટકા કોર્સ સાથે ધો. 10 અને 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

આ મુદ્દે જામનગરના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓએ કહ્યું છે કે સીબીએસસી બોર્ડની જેમ જો કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો તો અભ્યાસમાં થોડી સરળતા રહેત પરંતુ હવે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓનો 30 ટકા કોર્સ ઓછો છે અને ઉપરથી સેમેસ્ટર પદ્ધતિ છે જેથી તેઓ સરળતાથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની સરખામણીએ સારું પરિણામ આવશે.

સીબીએસસીનો કોર્સ બે પાર્ટમાં વહેંચાઈ છે
સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓને સેમેસ્ટર પદ્ધતિ છે જેથી કોર્સ બે પાર્ટમાં વહેંચાઈ જાય છે. આથી અભ્યાસ કરવામાં સરળતા રહે પડે છે. ઉપરથી 30ટકા કોર્સ ઓછો કરી દેવાયો છે.જ્યારે બોર્ડના પદ્ધતિ નથી એટલે આખો અભ્યાસક્રમનો એક સાથે જ કરવો પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. - રીતુ મોઢવાડિયા, વિદ્યાર્થી, જામનગર.

સેમેસ્ટર પદ્ધતિથી મધ્યમ વિદ્યાર્થીને ફાયદો

ગુજરાત બોર્ડમાં સીબીએસસી બોર્ડની જેમ સેમેસ્ટર પદ્ધતિ હોવી જોઈએ. કારણકે જે ભણવામાં મધ્યમ છે કારણ કે સેમેસ્ટર પદ્ધતિમાં કોર્સ બે ભાગમાં વહેંચાઇ જાય છે. જેથી ભણવામાં મધ્યમ છે તે વિદ્યાર્થી સરળતાથી સારૂં પરિણામ મેળવી શકે છે અને ભણતરનાે ભાર પણ ઓછો આવે છે. -વિવાન સિલાકા, વિદ્યાર્થી, જામનગર.

કોર્સ ઓછો ન થતા ઓછા માર્કસ આવશે

ગુજરાત બોર્ડમાં કોર્સ ઓછો ન કરવાથી બોર્ડની પરીક્ષામાં સીબીએસસીના વિદ્યાર્થી કરતા ઓછા માર્ક આવવાની શક્યતા વધુ છે, પરંતુ આગળની કોમ્પિટિટિવ એક્ઝામમાં સંપૂર્ણ કોર્સ જ આવશે. એટલે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોર્સ કરવો જ પડશે. જેથી માર્કસ ઓછા ન આવે.- ટીના સેન, વિદ્યાર્થી, જામનગર.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે સંપૂર્ણ કોર્સ જરૂરી

બોર્ડની પરીક્ષા બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છે જેમાં ધો. 11 અને 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે જો બોર્ડ કોર્સ ઘટાડે કે સંપૂર્ણ રાખે તો વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સંપૂર્ણ કોર્સની તૈયારી તો કરવી જ પડશે. આથી જો કોર્સ ઘટે તો પણ ખાસ ફાયદો નથી.- હેતવી લાધાણી, વિદ્યાર્થી, જામનગર.

એમસીક્યુને વધુ સમય આપી શકાય

જીઇઇની પરીક્ષા આપવી છે આથી કોઈ ફરક નથી પડતો કે કોર્સ વધારે છે કે ઓછો છે. પરંતુ જો કોર્સ ઓછો થાય તો બોર્ડમાં થીયરીની તૈયારી કરવા પ્રમાણમાં ઓછો સમય લાગે અને એમસીક્યુને વધુ સમય આપી શકાય. જે જીઇઇ પરીક્ષામાં કામ લાગે.બાકી મુખ્ય પરીક્ષામાં કોઇ ફેર પડતો નથી. - મહર્ષિ જાની , વિદ્યાર્થી, જામનગર.

ગુજરાત બોર્ડનો કોર્સ પણ ઘટવો જોઈએ

સીબીએસસી બોર્ડ સાથે ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ ઘટવો જોઇએ. કારણ કે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓનો 30 ટકા કોર્સ ઓછો છે અને ઉપરથી સેમેસ્ટર પદ્ધતિ છે જેથી તેઓ સરળતાથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને સરખામણીએ સારું પરિણામ મેળવી શકે છે.- રાવલ મંથન , વિદ્યાર્થી, જામનગર.

બંને બોર્ડમાં સરખી પદ્ધતિ હોય તે યોગ્ય

બંને બોર્ડમાં સરખી પદ્ધતિ હોય તો સારૂં રહે કારણે કે સીબીએસસી બોર્ડની જેમ જો ગુજરાત બોર્ડના પણ સેમેસ્ટર પદ્ધતિ હોય તો ઉતમ પરિણામ મેળવી શકાય. કારણકે એક સેમેસ્ટરના અડધો બીજા સેમેસ્ટરમાં અડધો કોર્સ હોય તો બોર્ડમાં સારો સ્કોર કરી શકાય વળી સ્પર્ધાત્મક પરીક્ષા માટે રીવીઝન માટે પણ સારો ટાઈમ મળે.- રાજવીરસિંહ રાણા, વિદ્યાર્થી, જામનગર.

રીવીઝન કરવાનો સમય વધુ મળે​​​​​​​​​​​​​​

ગુજરાત બોર્ડના કોર્સમાં ઘટાડો કરવા કરવામાં આવે તો કોર્સનું રિવિઝન કરવાનો સમય વધુ મળે.સીબીએસસી બોર્ડ જેમ ગુજરાત બોર્ડમાં સેમેસ્ટર પદ્ધતિ કરવામાં આવે તો અભ્યાસક્રમમાં વધુ સરળતા રહે. રિવિઝન કરવાનાે સમય વધુ મળવાથી માર્કસ પણ સારા મેળવી શકાય છે.- કોઠીયા વિધિ, વિદ્યાર્થી, જામનગર.

જામનગરના શહેરના શિક્ષકોનો પણ કંઇક આવો જ મત : વિદ્યાર્થી માટે પોઝિટિવ અને નેગેટિવ અસર

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના વિધાર્થીઓને માટે સારી બાબત એ છે કે તેમના બોર્ડની પરીક્ષા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થશે. પરંતુ નકારાત્મક બાબત એ છે કે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીની સાપેક્ષમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીનું પરિણામ નીચું આવવાની શક્યતા છે.જે કોલેજમાં એડમિશન દરમિયાન બોર્ડને અને સ્પર્ધાત્મક પરીક્ષા બંનેના માર્ક ગણવામાં આવે તો એવું બને કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને નુકશાન થાય.- વિશાલ મજપરા, શિક્ષક, જામનગર.

મહામારીની પરિસ્થિતિમાં સેમેસ્ટર પદ્ધતિ જરૂરી

કાેરોનાની મહામારીની પરિસ્થિતિમાં સેમેસ્ટર પદ્ધતિ હોય તો સારૂં રહે. કારણ કે ગત વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે જો વિદ્યાર્થીઓની એક સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ ગઈ હોય તેનું પરિણામ આવનારા સમયમાં જરૂર પડે તો કામ આવી શકે.એટલા માટે સેમેસ્ટર પધ્ધતિ જરૂરી બને છે. - પિયુષ ગણાત્રા, શિક્ષક, જામનગર.

ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહે છે

પચાસ ટકા કોર્સ વિદ્યાર્થી ઓનલાઇન ભણ્યા છે. જે વિદ્યાર્થીઓને ભણવામાં નબળા છે તેને થોડી વધુ મુશ્કેલી પડશે. ઉપરાંત એડમિશન પ્રક્રિયા મેરીટ આવે તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને થોડી વધુ તકલીફ પડશે. કારણ કે સીબીએસસી બોર્ડ ના વિદ્યાર્થીઓને 30 ટકા કોર્સ ઓછો છે ઉપરાંત તેમને સેમેસ્ટર પદ્ધતિ છે. આથી તે ખૂબ ઓછી મહેનતે વધુ પરિણામ લાવી શકે છે.-નયન ભંડેરી, શિક્ષક, જામનગર.

અન્ય સમાચારો પણ છે...