જામનગર તાલુકાના રામપર ગામે માતાજીના મંદિરોને નિશાન બનાવી અંદરથી રોકડ-આભુષણો સહિતની માલમતા ચોરી કરી જવાના પ્રકરણમાં પોલીસે પાંચ પરપ્રાંતિય શખસોને દબોચી લીઘા છે અને રોકડ-આભુષણો સહિત રૂ.1.10 લાખનો ચોરાઉ મુદામાલ કબજે કર્યો છે.ચોરીમાં વધુ એક શખસની સંડોવણી ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ રામપર પંથકમાં મંદિરમાં ચોરી કરનાર ઇસમો વિશે ચોકકસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રાકેશ રેશીંગભાઇ શીંગાળા, રૂમાલ ઉર્ફે રમેશ મંગળસિંગ,કાપસિંગ ઉર્ફે સુનિલ સુમરસિંગ ગણાવા, રાધુસિંગ ઉર્ફે કમલેશ વેસ્તોભાઇ ગણાવા અને સાહેબસિંગ પરસિંગભાઇ ગણાવાને દબોચી લીઘા હતા.
પોલીસે પકડાયેલા પરપ્રાંતિય શખસોની તલાશી લેતા તેના કબજામાંથી રામપર ગામે હરસિધ્ધી માતાજી મંદિર, રવેચી માતાજી મંદિર અને મચ્છો માતાજી મંદિરમાં ચોરી થયેલો નાના મોટા ચાંદીના 29 છતરો, બે મુગટ ઉપરાંત રોકડ વગેરે મળી આવ્યા હતા.આથી પોલીસે રૂ.1.10 લાખનો આ ચોરાઉ મુદામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પોલીસ તપાસમાં ઉકત શખસો જામનગરના રામપર ઉપરાંત મધ્યપ્રદેશના જોબટ પંથકમાં પણ ચોરીઓને અંજામ આપ્યો હોવાનુ ખુલ્યુ છે.જયારે આ ચોરી પ્રકરણમાં વધુ એક શખસ બીલાલ દરીયાસિંગ ગણાવાનુ નામ ખુલતા તેની શોધખોળ સાથે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.