જામનગરમાં રૂ.1.45 કરોડની લોન ભરવામાં ઠાગાઠૈયા સબબ અદાલતે 3 શખસોને સિવિલ જેલમાં બેસાડવાનો હુકમ કર્યો છે. નોટીસ છતાં ત્રણેય શખસોએ લોનના નાણાં ભરવા દરકાર કરી ન હતી. અદાલતે જેલમાં શા માટે ન બેસાડવા તે અંગે શો-કોઝ નોટીસ ફટકારી હતી.
જામગનરમાં હિન્દુજા લેલેન્ડ ફાયનાન્સમાંથી લીમડાલાઇનમાં રહેતા અશોક હરીશભાઇ ગઢવી, કિશોર હમીરભાઇ ગઢવી, મોહીત હરીશભાઇ ગઢવીએ લોન લીધી હતી. ત્યારબાદ ત્રણેય શખસોએ લોનના રૂ.1,45,58,999 ભરવામાં ઠાગાઠૈયા કરતા અરજદાર બેંકે આર્બીટેશનન એન્ડ કન્સીલીએશન એકટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આથી દેણદારો વિરૂધ્ધ એવોર્ડ પાસ થયો હતો. આથી વ્યાજ સહિતની લેણી રકમ વસૂલાત માટે અરજદાર બેંકે જામનગરની કોર્ટમાં દરખાસ્તો કરી હતી. જેની નોટીસ હુકમનામાના દેણદારોને બજી ગઇ હતી.
આમ છતાં ત્રણેય શખસોએ લોનની રકમ ભરવા દરકાર કરી ન હતી. આથી લોનની વસૂલાત થાય તે પહેલા ત્રણેય શખસો ભાગી જવાની શકયતા હોય અરજદાર દ્વારા ત્રણેય શખસોને સિવીલ જેલમાં બેસાડવા અરજી આપી હતી. આથી કોર્ટે જેલમાં શા માટે ન બેસાડવા ત્રણેય શખસોને શો-કોઝ નોટીસ ફટકારી હતી. આમ છતાં લોનની રકમ ન ચૂકવતા અદાલતે ત્રણેય શખસોને 3 મહિના સિવિલ જેલમાં બેસડવા હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.