જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારના વિજ ફીડરમાં એકાએક ફોલ્ટ સર્જાતા આરએમયુ યુનિટ ખરાબ થતા ઘણા વિસ્તારોમાં 3 કલાક વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઉનાળામાં વીજળી ગુલ થતાં ઉશ્કેરાયેલા રહેવાસીઓનું ટોળું પીજીવીસીએલની લાલ બંગલા કચેરીએ ઘસી ગયું હતું અને ભારે હંગામો મચાવ્યો હતો. આથી વીજતંત્રના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પડ્યો હતો.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં 11 કે.વી. ફીડરમાં શુક્રવારે રાત્રે 8.15 વાગ્યાની આસપાસ એકાએક ફોલ્ટ સર્જાયો હતો. આથી આરએમયુ યુનિટ ખરાબ થઈ ગયું હતું. જેના કારણે ભરવાડ પાડો, પંચેશ્વર ટાવર,વાણંદ શેરી, સુપર માર્કેટ, બેડી ગેટ સહિતના વિસ્તારોમાં ત્રણ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. ઉનાળાની તીવ્ર ગરમીમાં ત્રણ-ત્રણ કલાક સુધી વીજળી ગુલ થતાં આ વિસ્તારમાં રહેતા લોકો રોષે ભરાયા હતાં.
લાલબંગલા પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા હતાં. જયાં પહોંચી લોકોએ ભારે હંગામો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું. આથી વીજતંત્રના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ દરમ્યાન વીજતંત્રના નાયબ ઈજનેર અજય પરમારે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મામલો થાળે પાડયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.