ટીમ લીડરે હાથ ઉંચા કરી લીધા:જૂના જામનગરમાં રિનોવેશનના નામે 3-3 માળના બિલ્ડીંગો ખડકી દેવાનો ધિકતો ધંધો ચાલુ થયો: પ્રશાસને આંખે પાટા બાંધ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જુના જામનગરના વિસ્તારોમાં માર્જિનની જગ્યા મૂકયા વિના તાેતિંગ ઇમારતો ઉભી થઇ રહી છે, જેની સામે આંખ આડા કાન થાય છે. - Divya Bhaskar
જુના જામનગરના વિસ્તારોમાં માર્જિનની જગ્યા મૂકયા વિના તાેતિંગ ઇમારતો ઉભી થઇ રહી છે, જેની સામે આંખ આડા કાન થાય છે.
  • રીક્ષા પણ જઇ ન શકે તેવી ગલીઓમાં બાંધકામના નિયમોનો ઉલાળિયો

જામનગર શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો કોઈ નવી વાત નથી. આમાંથી પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરીને લોકોની સુવિધાની ભારે હાની પહોંચાડી રહ્યા છે. હાલ જામનગર મહાનગરપાલિકામાં રિનોવેશનના નામે જૂના જામનગરમાં 3-3 માળ સુધીના નવા બિલ્ડીંગો ખડકી દેવાનો ધિકતો ધંધો ચાલુ થયો છે. આમાં ક્યાંય પણ માર્જિન મૂકવામાં આવતું નથી કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને પદાધિકારીઓની કૃપાથી આવા ગેરકાયદેસર બાંધકામો બેધડક ખડકાઈ રહ્યા છે.

જામનગર શહેરના રતનબાઈ મસ્જિદથી આણદા બાવા ચકલો વિસ્તાર જે જૂના જામનગર તરીકે ઓળખાય છે. અહીં અસંખ્ય જૂના બાંધકામો આવેલા છે. સમયની સાથે જર્જરિત થયેલા બાંધકામોને નવા રૂપ આપવા માટે મહાપાલિકામાં રિનોવેશનના નામે મંજૂરી માંગવામાં આવે છે જે પછી તેમાં 3-4 માળ કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવે છે.

તદ્દન ગેરકાયદેસર ચાલતા આ બાંધકામમાં નથી માર્જિન મૂકવામાં આવતું કે નથી નિયમોનું પાલન કરવામાં આવતું. સ્થાનિક કોર્પોરેટરના આશિર્વાદ અને પદાધિકારોનું અધિકારીઓ પર દબાણ આવા કામને બેરોકટોક ચાલવા દે છે. આની જો કોઈ ફરિયાદ કરે તો તાત્કાલિક તેને દબાવી દેવામાં આવે છે અથવા તો કાગળ પર ફરિયાદને લેવામાં આવતી નથી. નવા કમિશનર વિજય ખરાડી આ બાબતે ધ્યાન આપે તો જામનગર શહેરમાં ચાલતા આવા અનેક ગોરખધંધા બહાર આવે તેમ છે જેની માટે યોગ્ય તપાસ અત્યંત જરૂરી છે.

મંજૂરી પહેલા જોવું જોઈએ : ફાયર ઓફિસર
નિયમ મુજબ 15 મીટર કે તેથી વધુની બિલ્ડીંગ હોય તેને જ ફાયરનું એનઓસી લેવાનું હોય છે. જૂના જામનગરમાં નાની ગલીઓમાં 3-4 માળના બિલ્ડીંગો ખડકાઈ જાય છે તેને નિયમ મુજબ મંજૂરી તો લેવાની નથી હોતી, પરંતુ આવી મંજૂરી આપતા પહેલા રસ્તા અને ફાયરના વાહનો નીકળી શકે કે કેમ? તે જોવું અત્યંત જરૂરી છે.> કે. કે. બિશ્નોઈ, ચીફ ફાયર ઓફિસર, જામ્યુકો.

હું તપાસ કરીને કહું છું: એટીપીઓ
જૂના જામનગરમાં ચાલતા બાંધકામો અંગે કેવી અને કોણે મંજૂરી આપી છે તે અંગેની ફાઈલો જોવી પડે તે જોયા પછી જ ખબર પડે, બાકી માર્જિન તો મૂકવું જ પડે અને રિનોવેશનના નામે આખુ બાંધકામ નવું થતું હોય તો તે ખોટું છે.> અનિલ ભટ્ટ, એટીપીઓ, જામ્યુકો.

હવે, લેખિતમાં આપવા-લેવાનું બંધ કરાયું
જામનગર મહાનગરપાલિકામાં પહેલા વાંધા અરજી કરી પછી સેટિંગ કરવાનો ધિકતો ધંધો ચાલતો હતો. પરંતુ ‘દિવ્ય ભાસ્કર’એ ગેલેક્સી ટોકિઝ પાસે ચાલતા 16 ગેરકાયદેસર દુકાનોના બાંધકામ અંગે તમામ કોર્પોરેટરોના વાંધા પુરાવા સાથે રજૂ કરતા ત્યારબાદ કોર્પોરેટરો અને પદાધિકારીઓ હવે ગેરકાયદેસર બાંધકામમાં લેખિત અરજી કરતા નથી. ફક્ત ફોન ઉપર અધિકારીઓને ધમકાવે છે અને કામ કઢાવી લે છે.

અન્ય સમાચારો પણ છે...