મે મહિનાથી ક્વાયત:જામનગરમાં 25,000 નવા પ્રી-પેઈડ સ્માર્ટ વીજમીટર લાગશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ પીજીવીસીએલ ટ્રાન્સફોર્મરમાં ત્યારબાદ સરકારી કચેરીઓ અને જુદા-જુદા વિસ્તારોમાં લગાડાશે
  • બે તબક્કામાં થનારી કામગીરીમાં એક દિવસમાં એક ટીમ દ્વારા ઓછામાં ઓછા 10 મીટર બદલવામાં આવશે: જુના મીટર ભંગારમાં મોકલાશે

જામનગરમાં વર્ષ-2023માં મે મહિનાથી પીજીવીસીએલ દ્વારા નવા પ્રી-પેઇડ સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત વર્ષના અંત સુધીમાં શહેરમાં અંદાજે 25000 વીજ મીટર લગાડવામાં આવશે. આ કામગીરી બે તબક્કામાં કરવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સ્માર્ટ મીટર સૌથી પહેલા પીજીવીસીએલ ટ્રાન્સફોર્મર માં લાગશે ત્યારબાદ જુદી જુદી સરકારી કચેરીમાં અને જૂન-જુલાઈથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગ્રાહકોના કનેક્શનમાં ફીટ કરવામાં આવશે. જેમાં પ્રથમ સીટી ડિવિઝન-1 અંતર્ગત આવતા પટેલ કોલોની, દરબારગઢ, સાત રસ્તા સહિતના વિસ્તારોમાં લગાડવામાં આવશે.

એક જૂનું મીટર ઉતારીને નવું સ્માર્ટ મીટર ફીટ કરવા પીજીવીસીએલને રૂ. 8 થી 9 હજાર રૂપિયાનો ખર્ચ લાગશે. એક દિવસમાં એક ટીમ દ્વારા ઓછામાં ઓછા 10 મીટર બદલવામાં આવશે. એક જૂનું મીટર ઉતારીને નવું મીટર ફીટ કરતા ઓછામાં ઓછો 30 થી 40 મિનિટનો સમય લાગશે. ઉતારેલા તમામ જુના મીટર સ્ક્રેપમાં જશે.

જો કે આ મીટર બદલાવવામાં ગ્રાહકોને કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવવો પડશે નહીં. પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરના માધ્યમથી ગ્રાહક પોતાના વીજ બિલનું નિયમન કરી શકશે ઉપરાંત પોતાના મોબાઇલમાંથી વીજ વપરાશની વિગતો પણ જાણી શકશે.

વીજતંત્રના આઈટી વિભાગમાં એન્જિનિયરની ભરતી કરાશે
જામનગર સર્કલ ઓફિસમાં હાલ આઈટી વિભાગ કાર્યરત છે. નવા વીજ મીટરની કામગીરી અંતર્ગત આ વિભાગમાં એન્જિનિયરની ભરતી કરાશે. અગાઉ વીજ મીટર રીડ કરવા માટે વ્યક્તિઓની જરૂર પડતી હતી . સ્માર્ટ મીટર આવતા આ કાર્યમાં જોડાયેલા અમૂક કર્મચારીઓને આઈટી વિભાગમાં મૂકવામાં આવશે. જે કંપનીનું ટેન્ડર પાસ થશે તે કંપની તરફથી પણ જરૂરિયાત અનુસાર આઈટી વિભાગ માટે વ્યક્તિ ફાળવવામાં આવશે. જે કંપનીમાં દસ વર્ષ સુધી કામ કરશે.

એજન્સી ફાઈનલ થયા બાદ પ્લાનીંગ કરી કામગીરી શરૂ કરાશે
જામનગર શહેરમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં એજન્સી ફાઈનલ થયા બાદ 90 દિવસ પ્લાનિંગ કરવામાં આવશે. જે અંતર્ગત એજન્સીનો મેનપાવર કેટલો છે કઈ રીતે કામ કરી શકાશે તેનો ચિતાર મળશે. જો કે, વર્ષના અંત સુધીમાં જામનગરમાં લગાડવામાં આવનાર પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સંખ્યામાં વધારો કે ઘટાડો થવાની શકયતા છે. > વરૂણકુમાર બનરવાલ, મેનેજીંગ ડિરેક્ટર , પીજીવીસીએલ, રાજકોટ.

અન્ય સમાચારો પણ છે...