જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રાચીન કથા અનુસાર હોલિકા ઉત્સવની ઉજવણી કરાઈ હતી. જામનગરના ભોઈ સમાજ દ્વારા કરવામાં આવતી ઉજવણી સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો કરતા જરા અલગ હોય છે. અહીં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટ ઊંચું અને 3 ટન વજનનું વિશાળ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે.
67 વર્ષથી ઊજવવામાં આવે છે હોલિકા ઉત્સવ
જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લાં 67 વર્ષથી આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ભોઈ સમાજના લોકો દ્વારા હોળીના દિવસે બપોરના સમયે જ ધામધૂમથી હોલિકાના પૂતળાનું સરઘસ યોજવામાં આવે છે. ત્યાર બાદ શાકમાર્કેટ વિસ્તારમાં મોડી સાંજે પ્રાચીન કથા અનુસાર હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવે છે.
હોલિકાદહન નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર
શાકમાર્કેટ વિસ્તારમાં વર્ષોથી ઊજવાતા અનોખા હોલિકા ઉત્સવને નિહાળવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. આજે પણ અહીં પગ મૂકવાની જગ્યા ન હતી. જામનગર શહેરના આગેવાનોની હાજરીમાં જ હોલિકાનું દહન કરવામાં આવે છે.
25 ફૂટ અને 3 ટન વજનનું હોલિકાનું પૂતળું
જામનગર શહેરમાં શાકમાર્કેટ પાસે ઊજવાતા હોલિકાદહનના કાર્યક્રમમાં ભોઈ સમાજ દ્વારા એક મહિના પહેલાં જ ભક્ત પ્રહલાદ અને હોલિકાના પૂતળાનું નિર્માણ શરૂ કરી દે છે. કાપડ, કંતાન અને ઘાંસ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિશાળ પૂતળાનું સરઘસ પણ યોજવામાં આવે છે.
ઉત્સવમાં સામેલ થવા દેશ-વિદેશથી લોકો આવે છે
જામનગરમાં વસતા ભોઈ સમાજના લોકો માટે આ તહેવારનું દિવાળીના તહેવાર જેટલું મહત્ત્વ છે. ભોઈ સમાજના લોકો દેશમાં કે વિદેશમાં જ્યાં પણ વસતા હોઈ તેઓ શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે જામનગરમાં આ તહેવારમાં સામેલ થવાનું ચૂકતા નથી હોતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.