જામનગરમાં કાલાવડ નાકા બહાર સનસિટી સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 23 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તમામ શખ્સોના કબજામાંથી 3 લાખ 87 હજારની રોકડ, 23 મોબાઇલ અને 8 મોટર સાયકલ સહિત રૂપિયા 8.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી છે.
જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ સનસિટી સોસાયટીમાં રહેતો અબ્દુલ ગફાર ભાઇ ખફી નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી પુરુષો ભેગા કરી ઘોડીપાસાની ક્લબ ચલાવતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. આ હકીકતના આધારે પીએસઆઇ કે કે ગોહિલ સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે ગઇકાલે બુધવારે રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમાડતો અબ્દુલ ગફારભાઇ ખફી તેમજ જુગાર રમતાં ફૈઝલ મહમદભાઇ સંધી, મોહસીન ઉર્ફે છોટુ સતારભાઇ સાટી પીંજારા, વસીમ હુશેનભાઇ મેમણ, વસીમ યુસુફભાઇ દરજાદા, અમીન અબ્બાસભાઇ ખફી, નાજીર હાસમભાઇ ખફી, અબ્દુલ રઝાક જુમાભાઇ વાધેર, અલ્તાફ સતારભાઇ આંબલીયા, મોહસીન અબ્બાસભાઇ ખફી, જાવીદ મહમદહુશેન સેતા, વસીમ હાસમભાઇ ખફી, ફૈજલ હશનભાઇ આરબ, સાજીદ વલીમામદ પીંજારા, તાહેર સૈકુદીન વોરા, મયુર બુધાભાઇ કારેઠા, સુનીલ સુરેશભાઇ મારૂ, સચીન વલ્લભભાઇ માડમ, આશીફ અનીશભાઇ ખીરા સુમરા, અસલમ સતારભાઇ ઓડીયા પીંજારા, આરીફ જુમાભાઇ ખફી, હારૂન સુલેમાભાઇ આંબલીયા, બીપીન સોમાભાઇ ચાવડાને પોલીસે જુગાર રમતા આબાદ પકડ્યા હતા.
પોલીસે તમામના કબજામાંથી રૂપિયા 3.87 લાખની રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની 8 મોટરસાયકલ અને રૂ. 2.87 લાખના 23 મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યા હતા. ઘોડીપાસાની ધમધમતી ક્લબ પર પડેલા દરોડાના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.