જામનગર જિલ્લાની 888માંથી ઓકટોબર-2022ની સ્થિતિએ 22 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. આટલું જ નહીં એક આંગણવાડીમાં વીજળી તો 12 આંગણવાડીમાં પાણીની સવલતના અભાવથી ભૂલકાઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રાજયમાં છેલ્લી બે ટર્મથી ભાજપની સરકાર હોવા છતાં જિલ્લાની આંગણવાડીઓમાં પાયાની સુવિધાના અભાવથી વિકાસના દાવા પોકળ પુરવાર થઇ રહ્યા છે.
બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયો મજબૂત થાય તે માટે સરકાર દ્વારા શહેર અને જિલ્લાઓમાં આંગણવાડી કાર્યરત છે. 0 થી 5 વર્ષના બાળકો માટે કાર્યરત આંગણવાડીઓમાં ત્રણ વર્ષથી બાળકને રંગ અને ચિત્રની ઓળખ સહિતનું શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે પૌષ્ટિક નાસ્તો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં કુલ 888 આંગણવાડીઓ કાર્યરત છે.
પરંતુ ઓકટોબર-2022ની સ્થિતિએ ફકત 682 આંગણવાડી પોતાના મકાનમાં કાર્યરત છે. 97 આંગણવાડી અન્ય સરકારી મકાનમાં તો 109 ભાડાના મકાનમાં કાર્યરત છે. નવાઇની વાત તો એ છે કે, 22 આંગણવાડીમાં તો શૌચાલયની સુવિધા નથી.
એક આંગણવાડીમાં વિજળીની સુવિધા તો 12 માં પાણીની સવલત ન હોવાનું જિલ્લા પંચાયતના ચોપડે નોંધાયું છે. એકબાજુ સરકાર વિકાસની વાતો કરી રહી છે પરંતુ જામનગર જિલ્લામાં 206 આંગણવાડીને પોતાના મકાન ન હોય તેમજ અન્ય પાયાની સુવિધા ન હોય વિકાસના દાવા પોકળ પુરવાર થયા છે.
જામનગર જિલ્લાની આંગણવાડીઓમાં ઓકટોબર-2022ની ભૌતિક સુવિધાની સ્થિતિ | ||||
તાલુકો | કુલ આંગણવાડી | વીજળી | પાણી | શૌચાલય |
જામનગર | 229 | 229 | 224 | 221 |
ધ્રોલ | 95 | 94 | 94 | 92 |
જોડિયા | 81 | 81 | 80 | 79 |
કાલાવડ | 183 | 183 | 183 | 177 |
લાલપુર | 147 | 147 | 144 | 144 |
જામજોધપુર | 153 | 153 | 151 | 153 |
109 આંગણવાડી ભાડાના મકાનમાં, 97 અન્ય સરકારી મકાનમાં કાર્યરત
જામનગર જિલ્લામાં કુલ 888 આંગણવાડી આવેલી છે. જેમાંથી 109 આંગણવાડી હજુ ભાડાના મકાનમાં તો 97 અન્ય સરકારી મકાનમાં કાર્યરત છે. ફકત 682 આંગણવાડીને પોતાના મકાન છે. જામનગર તાલુકામાં 32, ધ્રોલ તાલુકામાં 6, જોડિયા તાલુકામાં 8, કાલાવડ તાલુકામાં 14, લાલપુર તાલુકામાં 16 અને જામજોધપુર તાલુકામાં 33 આંગણવાડી ભાડાના મકાનમાં બેસે છે. આથી વિકાસના દાવા ગુલબાગ પૂરવાર થયા છે.
આંગણવાડીઓમાં સુવિધા માટે જિલ્લા કક્ષાએથી ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે
આંગણવાડીઓમાં સુવિધા માટે જિલ્લા કક્ષાએથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારબાદ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને સીડીપીઓ સાથે મળીને આ ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે નકકી કરે છે. > બીનલબેન સુથાર, ઇન્ચાર્જ પ્રોગામ ઓફીસર, આઇસીડીએસ શાખા, જામનગર જિલ્લા પંચાયત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.