ધૂળ ખાતી વિટામીનની ગોળીઓ:જામ્યુકોના આરોગ્ય કેન્દ્ર પરથી લોકોને અપાતી વિટામીનની 2000 ગોળી એક્સપાયર થઇ ગઇ!

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકાના પટાંગણમાં ધૂળ ખાતી વિટામીનની ગોળીની બોટલો, દવા વિતરણમાં ઘોર બેદરકારીથી શહેરીજનોમાં ભારે રોષ

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર પરથી લોકોને અપાતી વીટામીનની 2000 ગોળી એક્સપાયર થઇ જતા ભારે ચકચાર જાગી છે. આ વીટામીનની ગોળીની બોટલ મહાનગરપાલિકાના પટાંગણમાં ધૂળ ખાતી હોય અને દવા વિતરણમાં ઘોર બેદરકારીથી શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. મુદત વીતી ગયેલી દવાના જથ્થાનો બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવામાં ન આવતા આરોગ્ય શાખાની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્રારા દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ મહિનામાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરી આંખની ખામીવાળા બાળકોને વીટામીન એનું સીરપ આપવામાં આવે છે. જયારે આરોગ્ય કેન્દ્ર પરથી 18 વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ કે જેઓને આંખની ખામી હોય તેઓને વિનામૂલ્યે વીટામીન એની કેપ્સ્યુલ એટલે કે ગોળી આપવામાં આવે છે.

પરંતુ દવા વિતરણમાં ખામી કે અન્ય કોઇ કારણોસર ગોળીનું વિતરણ ન થતાં વિટામીન એની 2000 ગોળીની મુદત વીતી જતા એટલે કે એક્સપાયર થઇ જતાં ભારે ચકચાર જાગી છે. આટલું જ નહીં આ ગોળીનો બાયો મેડીકલ વેસ્ટ તરીકે નીકાલ ન કરાતા મનપાના પટાંગણમાં આ ગોળીની બોટલો ધૂળ ખાઇ રહી છે. આથી શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

1 બોટલમાં 50 ગોળી, 40 બોટલ વણવપરાયેલી પડી રહી

શહેરના આરોગ્ય કેન્દ્ર પરથી લોકોને કે જેઓને આંખની તકલીફ હોય તેઓને વીટામીન એની ગોળી વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી 2000 ગોળી એકસપાયર થઇ ગઇ છે. એક બોટલમાં 50 ગોળી આવે છે. પરંતુ યોગ્ય રીતે દવાનું વિતરણ ન થતાં 40 બોટલ વણવપરાયેલી પડી રહી છે.

દવા એક્સપાયર થતાં બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવાનો છે

મહાનગરપાલિકાના પટાંગણમાં વીટામીન-એની ગોળીઓની જે બોટલો પડી છે તે દવા એકસપાયર થઇ ગઇ છે. જેનો બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવાનો છે. એક બોટલમાં 50 ગોળી હોય છે. આવી 2000 ગોળીની મુદત વીતી ગઇ છે. ​​​​​​​મારી નિમણૂંક હમણાં થઇ છે. ​​​​​​​પહેલાના અધિકારી દ્રારા દવાનો જથ્થો રખાયો હતો. જેની ચકાસણી કરતા એકસપાયર થયેલી દવા મળી આવી છે.> મયુર ડોડીયા, ફાર્માસીસ્ટ, જામનગર મહાનગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...