ફરીયાદ:જામનગરના ગુલાબનગર પાસે ગેરેજમાંથી 20 બેટરીની ચોરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 હજારની જુદી જુદી બેટરીઓ ઉસેડી જનાર તસ્કરની સઘન શોધખોળ

જામનગરના ગુલાબનગર પાસે જામનગર-રાજકોટ હાઇવે પર એક પેટ્રોલ પંપ પાસે આવેલા ગેરેજમાંથી કોઇ તસ્કર અલગ અલગ મળી રૂ.ત્રીસ હજારથી વધુની કિંમતની વીશ બેટરીની ચોરી કરી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના પટેલ કોલોની શેરી નં. 6/1માં રહેતા અને જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર સ્વામીનારાયણ પેટ્રોલ પંપ પાસે જયસન ગેરેજ ધરાવતા જતીનભાઇ જયંતીલાલ વિઠ્ઠલાણી નામના સંચાલકે પોતાના ગેરેજમાંથી કોઇ ઇસમ અલગ અલગ કંપનીની વીશેક બેટરીઓની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની ગેરેજ સંચાલકની ફરીયાદના આધારે પોલીસે રૂ.30,600ની માલમતા ચોરી કરી લઇ જનાર અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો છે.આ બનાવ ગત તા.27ના સાંજે સાડા પાંચ કલાક પુર્વેના સમયગાળા દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયુ છે. પોલીસે ચોરી મામલે ગુનો નોંધી ઉઠાવગીરને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ચોરીના અન્ય એક બનાવમાં શહેરના ગુલાબનગર પાસે રવિ પાર્કમાં રહેતા અબ્દુલ મજીદ ઉંમરભાઇ ચૌહાણએ ઘર નજીક પાર્ક કરેલુ પોતાનુ રૂ. 25 હજારની કિંમતનુ બાઇક ગત તા.11ના રાત્રીથી તા.12ના સવાર સુધીના સમયગાળામાં કોઇ શખસ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...