વસંતપુર ગામ પાસે બની ઘટના:બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓ ઘાયલ, 1નું મૃત્યુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરના વસંતપુરના પાટીયા પાસે સર્જાયો હતો અકસ્માત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટિયા પાસે રિક્ષા છકડા અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે વિદ્યાર્થિઓને ગંભીર ઇજા થયા પછી બાઇકચાલક એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેની સાથે જ અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીને નાની-મોટી ઇજા થઇ છે. પરીક્ષા પૂર્ણ થયા પછી એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જતાં બંનેને માર્ગમાં અકસ્માત નડયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા બે જીગરજાન વિદ્યાર્થીમિત્રો પૈકી રૈયાભાઈ મેપાભાઇ છેલાણા (ઉં.વ.16) તેમજ ભુપત આંબરડી ગામમાં રહેતા રોનક મેપાભાઇ છેલાણા (ઉં.વ.16) કે જે બંને મિત્રો દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેઓ મંગળવારે રાત્રે પોતાના મોટરસાયકલ પર બેસીને જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ચાલી રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

જેમાં રોનક મોટર સાયકલ ચલાવતો હતો, જ્યારે તેનો મિત્ર રૈયાભાઈ છેલાણા બાઈકમાં પાછળ બેઠો હતો. જેઓ વસંતપુર ગામના પાટિયા પાસે પહોંચતાં સામેથી પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.-10 ટી.વાય. 6888 નંબરના રિક્ષા છકડાના ચાલકે બાઇકને સામેથી ઠોકર મારી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક રોનક મેપાભાઇ છેલાણાનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા રૈયાભાઈ છેલાણાને નાની-મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.બી. જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષા છકડાના ચાલકનું નામ ડાયાભાઈ અરજણભાઈ મોરી અને કોટડા બાવીસી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું, જે અકસ્માત સર્જીને ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...