જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન દારૂના ધંધાર્થીઓને ઝેર કરવા માટે પાસાનું શાસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરના કુખ્યાત શખ્સની પાસા હેઠળ અટકાયત કરી લેવાઇ છે. જેની સામે 22 થી વધુ ગુના નોંધાયા છે. ઉપરાંત અન્ય એક દારૂના ધંધાર્થીને પણ પાસા હેઠળ અટકાયતમાં લઇને એલસીબી ની ટીમ દ્વારા જેલ હવાલે કરાયા છે.
જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લખન રામભાઈ ચાવડા, કે જેની સામે લૂંટ મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ દારૂ અંગેના કેસો સહિત 22 જેટલા ગુન્હા નોંધાયા છે. જે આરોપી સામે પણ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલાઈ હતી, અને તે દરખાસ્ત મંજૂર થઈને આવતાં જિલ્લા પોલીસવડા ની સૂચનાથી એલસીબી ની ટીમ દ્વારા આરોપી લખન ચાવડાની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
ઉપરાંત જામનગરના મચ્છર નગર નજીક પુનિતનગર વિસ્તારમાં રહેતા દિલીપ પ્રતાપભાઈ જાડેજા નામના શખ્સ સામે પણ દારૂ ની પ્રવૃત્તિ અંગે નો કેસ નોંધાયો હોવાથી તેની પણ પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં નવ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે. વિદ્યાનસભાની ચૂંટણીના અનુલક્ષીને આગામી દિવસોમાં પણ અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલાઓ સામે પેાલીસ દ્વારા આકરા પગલા લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.