જામનગરમાં ખોટી રીતે વાહન અથડાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી, માર મારી નિદોષ વાહન ચાલકો પાસેથી બળજબરીથી નાણા પડાવનાર લુખ્ખા તત્વોની ગેંગના બે સાગ્રીતો ગઇકાલે પકડાયા બાદ આ ગેંગ સામે વધુ બે ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જામનગર પોલીસે ગઇકાલે ગુલામ-એ-મુસ્તફા ઉર્ફે લાલુ બોદુ અને તેના સાગ્રીત સદામ આદમ ખીરાની ધરપકડ કરાઇ હતી. જેની સામે વધુ બે લુંટની ફરિયાદ દાખલ થઇ હતી.
શંકર ટેકરી વિસ્તારમાં જ રહેતા માણસુર ભીખાભાઇ બગડા નામના રીક્ષા ડ્રાઇવર યુવાને નોંધાવેોલી ફરિયાદ મુજબ આશરે 2 માસ પહેલા સાંઢીયા પુલ પાસે તેની રીક્ષા સાથે ઇરાદાપૂર્વક જી.જે.10 બી.પી.9071 નંબરનું મોટર સાયકલ ધવલ અને મહીર નામના શખ્સોએ અથડાવ્યું હતું. પોલીસ ફરિયાદ કરવાનો ડર બતાવી ધમકાવીને બાઇક તથા મોબાઇલની નુકશાની સબબ રૂપિયા આપવા પડશે તેમ કહી મારામારી કરી હતી અને આ આરોપીના અન્ય સાગ્રીત ગુલામએ મુસ્તફા ઉર્ફે લાલુ અને હાજી હમીદ ખફીએ રૂપિયા સાઇઠ હજારની રકમ લુંટી લીધી હતી.
આ ઉપરાંત શંકર ટેકરી-રામનગરમાં રહેતા ભરત આલાભાઇ ચોપડા નામના મજૂર યુવકને તેના ઘર નજીક છકડો રીક્ષા સાથે નવસાદ નામના શખસે બાઇક અથડાવ્યું હતું અને મોબાઇલ તથા બાઇકની નુકસાનીના પૈસા આપવા ધમકાવ્યો હતો. નવસાદ અને તેના સાગ્રીત ગુલામએ મુસ્તફાએ રૂા.25 હજારની લુંટ ચલાવી હતફી.
આ બનાવ 20 દિવસ પહેલા બન્યો હતો. ઉપરોકત ગેંગ માથાભારે હોય તેની સામે ફરિયાદ થતી ન હતી કે પોલીસ પણ રસ લેતી ન હતી. પરંતુ તાજેતરમાં એસ.પી. પ્રેમસુખ ડેલુ સુધી ફરિયાદ પહોંચતા બે શખ્સો પકડાયા હતા અને પોલીસની અપીલને પગલે વધુ બે ફરિયાદ આ ગેંગ સામે થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.