અકસ્માત:કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર આઈશર ઝાડ સાથે ટકરાતાં 2 ભાઈઓ ઘાયલ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર- જોડીયા રોડ પર બાલાચડી નજીક કાર અને તુફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યક્તિને ઈજા થઈ છે. જ્યારે જામનગર જિલ્લામાં જ અકસ્માતના અન્ય એક બનાવમાં કાલાવડ- જસાપર રોડ પર એક આઇસર ઝાડ સાથે ટકરાઈ જતાં તેમાં બેઠેલા બે ભાઈઓ ઇજાગ્રસ્ત બન્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે પોરબંદરમાં રહેતા પ્રદીપભાઇ કરસનભાઈ જોગીયા નામના 64 વર્ષના વૃદ્ધ પોતાની સાથે એક વ્યક્તિને બેસાડીને જામનગર પંથકમાં પોતાની કાર લઈને આવ્યા હતા, અને જામનગર થી જોડિયા તરફ જઈ રહ્યા હતા.

જે દરમિયાન બાલાચડી ગામના પાટીયા પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલી એક તુફાન જીપના ચાલકે કારને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં પ્રદીપભાઈ તથા તેની સાથે બેઠેલા અન્ય વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે તુફાન જીપ ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત નો બીજો બનાવ કાલાવડ- રાજકોટ ધોરીમાર્ગ પર બન્યો હતો. એક આઇસર ઝાડ સાથે ટકરાઈ જતાં તેમાં બેઠેલા બે ભાઈઓ ઇજા ગ્રસ્ત બન્યા છે.

કાલાવડ માં પંજેતન નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા સદામશા રફિકશા બાનવા (ઉં.વ.29) અને તેનો ભાઈ શાહરૂખ કે જે બંને એક આઇસરમાં બેસીને સિમેન્ટની ગાડી ખાલી કરવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન જશાપર ગામની ગોળાઈ પાસે આઇસર એક ઝાડ સાથે ટકરાઈ જતાં તેમાં બેઠેલા બંને ભાઈઓ ઈજાગ્રસ્ત બન્યા હતા અને ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી. તેથી બંનેને સારવાર અપાઇ છે. પોલીસે આઈશરના ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જુદા જુદા અકસ્માતમાં ઘવાયેલાઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...