તપાસ:એજાઝના ખાતામાં 1.97 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનો ધડાકો, ભોગ બનનારાની રાજ્યભરમાં તપાસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીના એક કર્મચારીને ઓટો ટ્રેડીંગ કંપનીનું કામ કરતા હોવાની ઓળખ દઇ રોજના 5% વ્યાજની લાલચ આપી

જામનગરના એક સરકારી કર્મચારીએ ફોરેક્સ કંપનીમાં કામ કરતો હોવાની ખોટી ઓળખાણ આપી તેઓની કંપની ઓટો ટ્રેડીંગ સિસ્ટમ ઉપર કામ કરે છે જેમાં ઈન્વેસ્ટમેન્ટ કરનારને દરરોજ 4થી 5 ટકા વ્યાજ મળશે તેમ કહી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં રોકાણ કરાવી કટકે કટકે પૈસા નાખી રૂા.9.15 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી ગિર સોમનાથ જિલ્લાના 2 આરોપીને પકડી પાડી તેમની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં એજાઝ નામના શખસના ખાતામાં રૂા.1.97 કરોડનું ટ્રાન્સજેકશન થયાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી છે અને આ રાજ્યવ્યાપી તેમજ આંતરરાજ્ય કૌભાંડની તપાસમાં લાગી ગઈ છે.

જામનગર શહેરના વીજ કંપનીમાં કામ કરતા એક સરકારી કર્મચારીને ઓટો ટ્રેડીંગ અને ફોરેક્સ કંપનીમાં કામ કરતા હોવાની ઓળખ આપીને એક શખસે દરરોજ 4થી 5 ટકા રોકાણ પર વ્યાજ મળશે તેમ કહીને કટકે કટકે એપ્લિકેશન મારફતે પૈસા જમા કરાવી રૂા.9,19,125ની છેતરપિંડી કરતા આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જે અંગેની તપાસ પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે હાથ ધરતા આરોપીઓના લોકેશન સતત બદલતા રહેતા હતા. બાદમાં બે ટીમો બનાવીને ગિર સોમનાથ જિલ્લામાં રહેતા એજાઝ અબ્દુલભાઈ ચૌહાણ અને ફૈઝાન મહંમદહુસેન જમાદારને પકડી પાડ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ખોટી ઓળખ આપી લોકોને પૈસા રોકાણ કરાવી છેતરપિંડી કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજાઝના ખાતામાં રૂા.1.97 કરોડનું ટ્રાન્સજેક્શન થયું છે જે પરથી પોલીસને અનુમાન છે કે, આ છેતરપિંડી રાજ્યવ્યાપી છે જેના કારણે વિગતો મંગાવવામાં આવી રહી છે અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મોડસ ઓપરેન્ડી 2 દિ’ ખોટો નફાે દેખાડતા
આરોપીઓ દ્વારા વોટ્સએપ તથા ફોન પર ફોરેક્સ કરન્સી કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપી ભોગ બનનારને 4થી 5 ટકા લાભ આપવાની લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવે જેમાં પૈસા જમા થયા બાદ એક-બે દિવસમાં ખોટો નફો દેખાડે જે બાદ 2-3 વખત નાની રકમ ઉપાડવા પણ દે જે બાદ ભોગ બનનારને વિશ્વાસ આવી જતાં મોટી રકમ જમા કરાવે અને તે પૈસા પછી ઉપાડી ન શકે અને છેતરપિંડીનો ભોગ બનાવે.

અેજાઝ જેલમાં, ફૈઝાન પોલીસ કસ્ટડીમાં
ગિર સોમનાથ જિલ્લામાંથી ઝડપાયેલ એજાઝ પ્રાઈવેટ નોકરી કરે છે. તેમજ ફૈઝાન ગાડી લે-વેચનો ધંધો કરે છે. બંને આરોપીઓ ફ્રોડ કરી પૈસા ઉપાડી લેતા હતા. પોલીસે એજાઝની ધરપકડ કર્યા બાદ તેને રિમાન્ડ પર લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જ્યારે ફૈઝાન હાલ પોલીસ કસ્ટડીમાં છે.

અન્ય સમાચારો પણ છે...