ચૂંટણી:જામનગર જિલ્લામાં 163, દેવભૂમિની 157 ગ્રામ પંચાયતમાં જામશે ચૂંટણી જંગ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 320 ગ્રા.પં.ની ચૂંટણી: હજુ રોટેશન જાહેર ન થતાં સરપંચ સહિતના દાવેદારો અવઢવમાં !

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં સંભવતઃ આગામી ડિસેમ્બરના અંતમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગ્રામીણ ક્ષેત્રમાં રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે અને સ્થાનિક કક્ષાએ નાની-મોટી તડજોડની નીતિઓનો દૌર અત્યારથી જ શરૂ થઇ જવા પામ્યો છે. જામનગર જિલ્લામાં 163 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 157 મળીને હાલારમાં કુલ 320 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો જંગ જામશે.

ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીને લઈને ક્યાં અને કેટલા અધિકારીઓ-કર્મચારીઓ મુકવા તેમજ સાધનસામગ્રી સહિતની વિગતો અંગે ગાંધીનગરથી લેખિત આદેશો છોડવામાં આવ્યા છે, જેના પગલે સ્થાનિક જિલ્લા પ્રશાસન પણ કામગીરીના ધમધમાટમાં લાગી ગયું છે. હાલારના બંને જિલ્લાઓમાં મળીને 320 ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીને લઈને ગ્રામીણ કક્ષાએ અત્યારથી જ ધીમી ગતિએ ચહલ-પહલ શરૂ થઈ ગઈ છે.

જોકે ચૂંટણી પંચ દ્વારા હજુ રોટેશન જાહેર કરવામાં ન આવતા સરપંચો અને સંબંધિત દાવેદારો અવઢવની સ્થિતિમાં છે. જિલ્લા પ્રશાસન દ્વારા તો રોટેશન તૈયાર કરીને સરકારના પંચાયત વિભાગમાં રિપોર્ટ સબમીટ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને એ રિપોર્ટ ચૂંટણી પંચ સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યો હોવાથી હવે આગામી એકાદ સપ્તાહની અંદર જ રોટેશન જાહેર થઈ જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...