જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભારે દોડધામ થઈ હતી. પક્ષ હોય કે, અપક્ષ અંતિમ દિવસે સૌથી વધુ દાવેદારો કતારમાં જોવા મળ્યા હતા. આ પાંચેય બેઠક પર કુલ 145 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારીપત્ર રજૂ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભરાયેલા ફોર્મ પૈકીના અડધા ફોર્મ એટલે કે, 73 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જ્યારે 72 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. પાંચ પૈકીની માત્ર શહેરની બે જ બેઠક પર ચાર મહિલા ઉમેદવારો મેદાને છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણી પ્રક્રિયાનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
ફોર્મ ભરવા કતારો લગાવી
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર 145 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની રાષ્ટ્રીય પાર્ટીઓના દાવેદારોએ પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. ફોર્મ ભરવાના એક સપ્તાહના ગાળા દરમિયાન નિરસતા જોવા મળી હતી, પરંતુ ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોમાં દોડધામ મચી હતી અને ફોર્મ ભરવા કતારો લગાવી હતી.
જામનગર ગ્રામ્ય બેઠક પર 31 દાવેદારોએ ફોર્મ ભર્યું
જામનગર જિલ્લાની પ્રથમ બેઠક એટલે કે, કાલાવડ બેઠક પર 16 ઉમેદવારો, જામનગર ગ્રામ્ય બેઠક પર 31 ઉમેદવારો, શહેરની ઉત્તર બેઠકમાં 41 ઉમેદવારો, જ્યારે દક્ષિણ બેઠક પર 33 દાવેદારો અને જામજોધપુર બેઠક પર 24 ઉમેદવારો મળી કુલ 145 ઉમેદવારોએ પોતાનું નામકરણ પત્ર ભર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.