ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં રૂ.50 ના વધારાથી જામનગર શહેર અને જિલ્લામાં ગેસ સિલિન્ડર ઘરાવતા 262257 ગ્રાહકો પર રૂ.1.31 કરોડનો બોજો વધ્યો છે. ફકત 15 દિવસના સમયગાળામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.100 ના વધારાથી રાંધણગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોમાં ભારે દેકારો બોલી ગયો છે. મોંઘવારીના એક પછી એક ડામથી મધ્યમ વર્ગનું જીવન દોયલું બન્યું છે. આવકની સામે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં બેફામ ભાવ વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ઘરેલુ એલપીજીના ભાવમાં પુન: વધારો ઝીંકવામાં આવ્યો છે. ગત શનિવારે ઓઇલ કંપનીઓ દ્વારા રાંધણગેસના બાટલામાં રૂ.50 નો વધારો કરાતા ગેસ સિલિન્ડરનો ભાવ જામનગરમાં રૂ.1012 પર પહોંચ્યો છે. ફકત પખવાડિયામાં ઓઈલ કંપનીઓએ ગેસના ભાવમાં રૂ.100 નો વધારો ઝીંકી દીધો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
22 એપ્રિલના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.50 નો વધારો કરવામાં આવ્યો હતો. આથી ગેસ સિલિન્ડરની કિંમત રૂ.962 પર પહોંચી હતી. ત્યારબાદ પુન: 7 મે ના ઘરવપરાશના ગેસ સિલિન્ડરમાં રૂ.50 નો વધારો ઝીંકાતા ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.1012 થયો છે. જામનગર શહેર અને જિલ્લમાં હાલમાં કુલ 262257 ઘર વપરાશના ગેસ સિલિન્ડર ધારકો હોય તેના પર કુલ રૂ.1,31,12,850 નો બોજ વધતા ભારે દેકારો બોલી ગયો છે.
ઘરેલું સિલિન્ડરના ગ્રાહકો
કંપની | શહેર | જિલ્લો |
આઇઓસીએલ | 99011 | 56289 |
બીપીસીએલ | 46827 | 22025 |
એચપીસીએલ | 17165 | 20940 |
કુલ | 163003 | 99254 |
કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂા. 2350નો થતાં હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન મોંઘુ બન્યું
એપ્રિલમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.249.50 નો વધારો થયો હતો. 1 મે ના પુન: રૂ.104 નો વધારો ઝીંકાતા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂા. 2350 થઇ છે. જેના કારણે હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન મોંઘુ બન્યું છે.
શહેરમાં ગેસની લાઇનની ધીમી કામગીરીથી શહેરીજનોની મુશ્કેલી બેવડાઇ
શહેરના બહારના વિસ્તારોમાં ગેસની પાઇપલાઇન આવી છે. પરંતુ શહેરના ઘણાં વિસ્તારોમાં ગેસની પાઇપલાઇનનું કામ શરૂ થયું નથી. ગેસની પાઇપલાઇનમાં ગેસ સસ્તો પડે છે. આમ છતાં પાઇપલાઇનની ધીમી કામગીરીથી લોકોની મુશ્કેલી બેવડાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.