તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસંશનીય કામગીરી:જામનગરમાં 39 દિવસમાં 2000 દર્દીઓ માટે 108ના કર્મચારીઓ સાબિત થયા 'દેવદૂત'

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લમાં દર્દીઓના જીવ બચાવવા 19 એમ્બ્યુલન્સ દિવસ રાત દોડતી રહી

મોતના મુખમાં ધકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીવનરક્ષક 108 એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતાં લગીરેય ઊણી ઉતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો, આ સેવા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે, અસંખ્ય લોકોના દુઃખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે, અને હજુય અહર્નિશ પણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.

108 નાં સ્ટાફે કર્તવ્ય નિષ્ઠા એટલી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતનાં કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોબ 108 આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે "હાશ! 108 આવી ગઇ, હવે વાંધો નહીં આવે."

જામનગર જિલ્લામાં પણ કોરોના કાળમાં 108 એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો ત્યારે અનેક દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને તેમના જીવ બચાવવાની ફરજ 108 એમ્બ્યુલન્સ દ્વારા સુપેરે નિભાવવામાં આવી છે. દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે અને તેમને તત્કાળ સારવાર ઉપલબ્ધ થાય તે માટે કોવિડ કાળમાં જિલ્લા કલેક્ટર રવિશંકરના સુચારૂ આયોજન અને સીધી દેખરેખ હેઠળ 108 દ્વારા અહર્નિશ ફરજ બજાવવામાં આવી રહી છે.

જામનગર 108 GVK EMRI ના પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારીયા આ અંગે જણાવે છે કે જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ઓચિંતો વધારો જોવા મળ્યો ત્યારે તેને અટકાવવા મેડિકલ સ્ટાફની જેમ જ 108ની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. રાત દિવસ દર્દીઓના ફોન આવતા 108 એ ખાસ ઝુંબેશના ભાગરૂપે દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે તે માટે આયોજન કરી પોતાની કામગીરી બજાવવાનું શરૂ કર્યું. અને તા. 1લી એપ્રિલથી લઈ મે સુધીના માત્ર 39 દિવસના ટૂંકાગાળામાં જ 2000 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે અને આ કામગીરી હજુ ઉચ્ચ સ્તરે લઈ જવા સમગ્ર સ્ટાફ કટિબદ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અત્યાર સુધી 16 108 એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં કાર્યરત હતી. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યમાં નવી 150 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા તેમાંથી જામનગર જિલ્લાને પણ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ મળી હતી. આમ હાલ જામનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ તેમજ તેના મેડિકલ, પાયલોટ સહિત ૭૬ કર્મીઓનો સ્ટાફ કોવિડ મહામારીમાં દર્દીઓની સેવામાં સતત ખડેપગે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે દેવદૂત બની પોતાની અહર્નિશ સેવા બજાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...